ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય અને યોજનાની સમજ મળી રહે તે હેતુસર સમગ્ર રાજ્યના તમામ તાલુકાઓમાં તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪ના આગોતરા આયોજન અંગે મીટિંગ મળી હતી.
વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ મહોત્સવનું સુચારૂ આયોજન થાય તે માટે તાલુકાવાર નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં વલસાડ તાલુકાના નોડલ અધિકારી વલસાડ પ્રાંત અધિકારીશ્રી વિમલ પટેલ, પારડી તાલુકાના નોડલ અધિકારી સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ આસ્થા સોલંકી, વાપી તાલુકામાં નોડલ અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી દિપક બારીયા, ઉમરગામ તાલુકાના નોડલ અધિકારી પારડીના પ્રાંત અધિકારી નિરવ પટેલ, કપરાડા તાલુકાના નોડલ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય રાજપૂત અને ધરમપુર તાલુકાના નોડલ અધિકારી તરીકે ધરમપુરના પ્રાંત અધિકારી અમિત ચૌધરીની નિમણૂંક કરવામાં આવી હતી.
પ્રથમ દિવસે સસ્ટેનેબલ ફાર્મિંગ, પ્રાકૃતિક કૃષિ, મિશ્ર પાક પધ્ધતિ, કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત યોજાશે. બીજા દિવસે વેલ્યુ એડીશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પર પરિસંવાદ, કૃષિ પ્રદર્શન તથા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે. કલેકટરશ્રીએ તાલુકા કક્ષાના કાર્યક્રમ સ્થળે કૃષિ પ્રદર્શન માટે ૧૦ થી ૧૫ સ્ટોલનું આયોજન કરવા જણાવ્યું હતું. દરેક તાલુકામાંથી ખેડૂતોની પસંદગી કરી તેમને સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે યોજનાના મંજૂરી પત્રો/ સહાય અને સહાયના હુકમોના વિતરણ સુચારૂરૂપે થાય તેવી વ્યવસ્થા કાર્યક્રમના સ્થળે ગોઠવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની સાથે સાથે પશુપાલન વિભાગે સ્થાનિક કક્ષાએ બે દિવસ માટે પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવાનું રહેશે. પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોના વકતવ્યનું પણ આયોજન કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે જણાવ્યું હતું.
રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પ્રથમ દિવસે ખેડૂતો નિહાળી શકે તે મુજબ વ્યવસ્થા કરવા કલેકટરશ્રીએ દિશાનિર્દેશ આપ્યા હતા. વલસાડ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ નંદાવલા ગામે હાઈવે સ્થિત મા રિસોર્ટ, પારડીમાં પરિયા રોડ પર સાંઈ દર્શન હોલ, વાપીમાં લવાસા ખાતે શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ હોલ, ધરમપુરમાં બામટી ગામે આદર્શ નિવાસી શાળા હોલ, ઉમરગામમાં ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક ભવન હોલની બાજુનું મેદાન અને કપરાડામાં કોમ્યુનિટી હોલ ખાતે બે દિવસીય મહોત્સવ યોજાશે. જેનો વધુમાં વધુ ખેડૂત મિત્રો લાભ લે તેવુ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યુ છે. તાલુકા કક્ષાએ આ બે દિવસીય મહોત્સવ સવારે ૮- ૩૦થી સાંજે ૫ વાગ્યા સુધી યોજાશે. આ મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, વલસાડ પ્રાંત અધિકારીશ્રી વિમલ પટેલ, પારડીના પ્રાંત અધિકારી નિરવ પટેલ, ધરમપુરના પ્રાંત અધિકારી અમિત ચૌધરી, સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ આસ્થા સોલંકી, જિલ્લા પુરવઠા અધિકારી દિપક બારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય રાજપૂત, નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલ, નાયબ પશુપાલન નિયામક જે.વી.વસાવા, આત્મા પ્રોજેક્ટના ડાયરેકટર ડી.એન.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મીટિંગનું સંચાલન અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ કર્યુ હતું.