ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અદ્યતન નવીન સર્કલ કચેરી રૂ. ૧૮ કરોડના ખર્ચે બનવા જઈ રહી છે ત્યારે આજે તા. ૨૫ ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ્ હસ્તે વલસાડ શહેરના દશેરા ટેકરી પાવર હાઉસ ખાતે નવા બિલ્ડીંગના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વલસાડ શહેરમાં ૩ જિલ્લાને સાંકળતી વીજ કંપનીની અદ્યતન સર્કલ કચેરી આગામી દિવસોમાં બનવા જઈ રહી છે તે અંગે માહિતી આપતા વલસાડ વીજ કંપનીની સર્કલ કચેરીના અધિક્ષક ઈજનેર પી.જી.પટેલે જણાવ્યું કે, આ નવીન અદ્યતન કચેરીમાં ઊર્જા બચાવ માટે ઊર્જા સરંક્ષણના નિયમોને ધ્યાનમાં લઈને કચેરીનું નિર્માણ કરવામાં આવશે. જેમાં કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. તદઉપરાંત VRF ( વેરીયેબલ રેફરીજન્ટ ફ્લો) સિસ્ટમ સાથેના સેન્ટ્રલ એસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી વીજળીની બચત થશે. અદ્યતન સુવિધા ધરાવતી નવી બનનારી કચેરીમાં બેઝમેન્ટ પાર્કિંગ તેમજ ગ્રાઉન્ડ ફ્લોર સહિત પાંચ માળનું આયોજન કરવામાં આવ્યું છે. બેઝમેન્ટ પાર્કિંગમાં ૫૦ કારની પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થશે. આગામી ત્રણ વર્ષમાં આધુનિક સુવિધાઓ સાથેની કચેરી તૈયાર થશે. આ કચેરીમાં સોલાર સિસ્ટમ, કેન્ટીન, કોન્ફરન્સ રૂમ અને બે લેબોરેટરી પણ હશે. આ જ બિલ્ડિંગમાં સર્કલ કચેરીની સાથે વલસાડ શહેર વિભાગીય કચેરી અને વલસાડ ગ્રામ્ય વિભાગીય કચેરી કાર્યરત રહેશે. જેના થકી વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવા પ્રાપ્ત થશે.
વલસાડ સર્કલ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વીજ કંપની દ્વારા છેલ્લા એક વર્ષમાં કુલ ૧૦ કચેરીઓના નવીન મકાનના બાંધકામ પેટે અંદાજિત રૂ. ૩૦ કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. જેનાથી વીજ ગ્રાહકોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે.
ધરાસણામાં પણ રૂ. ૧.૮૨ કરોડના ખર્ચે બનનારી નવી વિભાગીય પેટા કચેરીનું પણ મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે
વલસાડ તાલુકાના ધરાસણા ગામમાં ઘણા સમયથી વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી ભાડાના મકાનમાં કાર્યરત હતી. હવે વીજ કંપની દ્વારા રૂ. ૧.૮૨ કરોડના ખર્ચે નવી અદ્યતન કચેરી બનાવવામાં આવનાર છે. જેનું ખાતમુહૂર્ત પણ આજે તા. ૨૫ ફેબ્રુઆરીને રવિવારે સવારે ૧૧ કલાકે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવશે. આ નવીન કચેરી સાકાર થવાથી ધરાસણા અને તેની આસપાસના ૨૦ ગામના વીજ ગ્રાહકોને ફાયદો થશે.