ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અણગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ’ યાત્રા અંતર્ગત ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રંસગે ધારાસભ્યશ્રીએ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે આહવાન કર્યુ હતું.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે નલ સે જલ વગેરે યોજનાઓમાં સો ટકા સિધ્ધિ મેળવનાર ગ્રામ પંચાયતના સરપંચને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કિસાન યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની વાતો રજૂ કરી હતી. ખેડૂતોને ડ્રોન ડેમોસ્ટ્રેશન દ્વારા ખાતરના છંટકાવ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ‘ધરતી કહે પુકાર કે ..’ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રીનો રેકર્ડ કરેલો સંદેશો પણ સાંભળ્યો હતો તેમજ વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી ટૂંકી ફિલ્મ રસપૂર્વક નિહાળી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં. આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અટલ પેન્શન યોજના, આયુષ્યમાન આરોગ્ય મંદિર, જન ધન યોજના, માય ભારત વોલન્ટીયર, પીએમ મુદ્રા લોન, પીએમ વિશ્વકર્મા યોજના સહિતની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય દિપકભાઈ લખમાજી મિસ્ત્રી, તાલુકા પંચાયતના પ્રમુખ લલીતાબેન દુમાડા, તાલુકા પંચાયત સભ્ય વિલાસભાઈ ઠાકરીયા, તેમજ ગામના સરપંચશ્રી, આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.