ગુજરાત એલર્ટ | વલસાડ
ઉમરગામના ધોડીપાડા ખાતે બે દિવસીય આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવનો પૂર્ણાહૂતિ કાર્યક્રમ ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ સ્થળોએથી ઉપસ્થિત રહેલા આદિવાસી નૃત્ય કાલાકારોએ કહાડી ડાંગી નૃત્ય, ઢોલ નૃત્ય, ભવાડા નૃત્ય, તુર નૃત્ય તેમજ વિવિધ આદિવાસી લોકનૃત્યો રજૂ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કલાકારોને પ્રોત્સાહક ઈનામો આપી પ્રોત્સાહન આપ્યું હતું.
ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૫૦ માં બંધારણને મંજૂરી મળી હતી, જેથી કાયદાઓનું વ્યવસ્થિત અમલીકરણ થાય, આદિવાસીઓને એમનો હક મળે અને આઝાદીના ૭૫વર્ષ પૂર્ણ થતાં આ તમામ ઉજવણીઓ કરવામાં આવી રહી છે. આઝાદીની લડતમાં અનેક લોકોને જોડવાનુ કાર્ય ગાંધીજીએ કર્યું હતું. તેમના આહવાનથી અનેક લોકોએ આ લડતમાં જોડાઈ પોતાનો ફાળો આપ્યો હતો. આઝાદીની લડતમાં માત્ર ૨૫ વર્ષની નાની વયે પોતાનો જીવ હોમી દેનારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જ્યંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દેશની લોકસભામાં પણ ભગવાન બિરસા મુંડાની મૂર્તિ અને ફોટો મૂકવામાં આવ્યા છે. તેમણે લોકશાહી માટે ખુબ જ મહેનત કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧માં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળતાની સાથે જ દેશના ઈતિહાસને તાજો કરાવ્યો હતો. તેમણે ૯ ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તેમજ ભગવાન બિરસા મુંડાની જન્મ જ્યંતિની ઉજવણી કરવાની શરૂઆત કરાવી હતી જે આજે સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે. લોકો યોજનાઓથી અવગત થઈ રહ્યા હોવાથી તેમનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. ગામોમાં દરેક સુવિધાઓ મળી રહે છે. સરકાર લોકોના હિતમાં હોય તેવી દરેક સુવિધાઓ પૂરી પાડી રહી છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે સ્વાગત પ્રવચન કરી લોકોને ટ્રાઈબલ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. ઉપસ્થિત વક્તાઓ, આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના કાર્યપાલક નિયામક સી. સી. ચૌધરીએ રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન અને વારલી આર્ટના ટ્રેનર પાંડુરંગભાઈ સયાજીએ ઈનોવેશન ઈન આર્ટ અંગે વક્તવ્યો રજૂ કરી માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમમાં પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલ, ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયાર, ઉમરગામ મામલતદાર, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચો સહિત ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.