ગુજરાત એલર્ટ | વલસાડ
ધનવંતરી જયંતિ અને ૯ મા આયુર્વેદ દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિવિધ રાજ્યોમાં હેલ્થ સેકટરને વધુ સુદઢ અને સશક્ત બનાવવા માટે તા. ૨૯ ઓકટોબર ૨૦૨૪ને મંગળવારે રૂ. ૧૨,૮૫૦ કરોડના આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટની દિવાળી ભેટ દેશવાસીઓને આપી હતી.
જે અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા સ્થિત મેરિલ કંપનીના મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે મેરિલ કંપનીમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
મુખ્યમંત્રીશ્રીનું હેલીપેડ ખાતે આગમન થતા જિલ્લાના સર્વ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા સંગઠનના હોદ્દેદારોએ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. જ્યાંથી તેઓ મેરિલ પાર્ક પહોંચી હાર્ટ વાલ્વ અને સ્ટેન્ટના મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટનું નિરિક્ષણ કર્યુ હતું. વડાપ્રધાનશ્રી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મેરિલ પાર્ક – ૧ માં ઉદઘાટન કરાયેલા મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટની મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. આ પ્લાન્ટમાં મુખ્યત્વે સર્જિકલ રોબોટિક્સ, હાર્ટ, વાલ્વ, સ્ટેન્ટ અને કેન્સર રિસર્ચની કામગીરી થશે. કેન્સર રિસર્ચ સર્જિકલ રોબોટિક્સ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની તલસ્પર્શી માહિતી મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી. ત્યારબાદ મેરિલ સ્ટુડીયોમાં મેડિકલ ડિવાઈસમાં બનતા દરેક પ્રકારના ઉપકરણો જેમ કે, ટ્રોમા ઈમ્પ્લાન્ટસ, ઓર્થોપેડિકલ ઈમ્પ્લાન્ટસ અને ભારતનું સૌ પ્રથમ ની (ઘૂંટણ) રિપ્લેસમેન્ટ માટે રોબોટ (મીશો)ની રસપ્રદ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ એકેડેમીમાં “મેરાઈ ડેટા સેન્ટર”નું પણ ઉદઘાટન કર્યુ હતું. આ ડેટા સેન્ટરનો ઉદ્દેશ આરોગ્ય ક્ષેત્રમાં વૈશ્વિક પરિવર્તન લાવવા માટે Artificial Intelligence (AI)નો ઉપયોગ કરી માનવ જીવનની ગુણવત્તામાં મહત્તમ સ્તરે વધારો કરાશે. આરોગ્ય ડેટાનો ઉપયોગ કરી નવી નવી દવાઓની શોધ કરી દર્દીઓના ઉપચાર અને નિદાનની ચોકસાઈમાં સુધારો કરી શકાશે.
મેરિલ એકેડેમીના તક્ષશિલા ઓડિટોરીયમમાં વડાપ્રધાનશ્રીના દિલ્હીથી પ્રસારિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે મેરિલ સંકલ્પ બુક અને ક્લાઈમેટ ચેન્જથી આરોગ્ય ઉપર થતી અસરો અંગે તૈયાર કરાયેલી બુકનું વિમોચન કરવામાં આવ્યુ હતું. મેરિલ કંપનીના અંજુમભાઈ બિલખીયા અને સીઈઓ વિવેકભાઈ શાહે મુખ્યમંત્રીશ્રીને મેરિલ કંપની વિશેની “મેક ઈન ઈન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત”ની વિસ્તૃત માહિતી આપી હતી.
આરોગ્ય ક્ષેત્રે વરદાન સમાન ગણાતા આયુષ્યમાન કાર્ડ ખાસ કરીને સિનિયર સિટિઝનો માટે વધુ ઉપયોગી બની શકે તે માટે વડાપ્રધાનશ્રી દ્વારા નવી પહેલ કરી ૭૦ વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે રૂ. ૬ લાખ સુધીની આવક મર્યાદા હતી તે નાબૂદ કરવામાં આવી છે. હવે માત્ર આધાર કાર્ડ અને રાશન કાર્ડ રજૂ કરવાથી આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવી શકાશે. આ નવી પહેલ હેઠળ કાર્ડનો લાભ મેળવનાર વલસાડ જિલ્લાના પીએમ જેએવાયના લાભાર્થી ધીરૂભાઈ રમણભાઈ પટેલ અને સવિતાબેન ભીખુભાઈ પટેલ (બંને રહે, કોપરલી, વાપી)ને મુખ્યમંત્રીશ્રીના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રી દ્વારા આ પ્રસંગે સગર્ભા માતા અને ૦ થી ૧૬ વર્ષના બાળક માટેની વેક્સિન અંગે યુ-વિન પોર્ટલનો શુભારંભ કરાયો હતો.
જેમાં સગર્ભા માતા અને ૦ થી ૧૬ વર્ષના બાળકની તમામ પ્રકારની વેક્સિનની માહિતી દેશના કોઈપણ ખૂણેથી ઉપલબ્ધ થઈ શકશે. જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લાભાર્થી ભાવિકા અંકિતભાઈ પટેલ (રહે. પંડોર) અને લાભાર્થી વિનત કાજલબેન કેતનભાઈ પટેલ (રહે. કરવડ)ને ઈ-વેક્સિન સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન કાર્ડના ૭૦ વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીઓના પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરાયેલી શોર્ટ ફિલ્મ, આર્યુવેદનું મહત્વ, ફાર્મા સેકટર અને યુ- વિન પોર્ટલ કેવી રીતે કામ કરશે અને ઉપયોગી થશે તે અંગેની શોર્ટ ફિલ્મ સૌએ નિહાળી હતી.
આ પ્રસંગે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, લોકસભાના દંડક અને સાંસદશ્રી ધવલભાઈ પટેલ, વલસાડ, કપરાડા અને ધરમપુર, ઉમરગામના ધારાસભ્યો સર્વશ્રી ભરતભાઇ પટેલ, જીતુભાઇ ચૌધરી, અરવિંદભાઇ પટેલ અને રમણલાલ પાટકર, વાપી પાલિકાના પ્રમુખ પંકજભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, વાપી વીઆઈએના પ્રમુખ સતિષ પટેલ, મેરિલ કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સંજીવ ભટ્ટ, ડિરેક્ટર પ્રમોજકુમાર મિનોચા અને આર.જી.વ્યાસ સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તારેશભાઈ સોનીએ કર્યુ હતું.
*બોક્ષ મેટર*
•વાપીની મેરિલ કંપનીમાં નવા પ્લાન્ટથી વધુ ૫૦૦૦ લોકોને રોજગાર મળશે
વાપીની મેરિલ કંપની ભારતની વૈશ્વિક કક્ષાએ અગ્રણી મેડટેક કંપની તરીકે નામના ધરાવે છે. ૨૦૦૭માં સ્થપાયેલી મેરિલ પાંચ મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. કાર્ડિયોવાસ્ક્યુલર, ઓર્થોપેડિક્સ, એન્ડો સર્જરી, સર્જિકલ રોબોટિક્સ, અને ડાયગ્નોસ્ટિક્સ. ૧૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ અને ૧૫૦થી વધુ દેશોમાં કામગીરી સાથે મેરિલે ૩૧ દેશોમાં સીધી સબસિડીરી ઓફિસ સ્થાપી છે. મેડિકલ ટેકનોલોજીમાં નવીનતમ ટ્રેનિંગ માટે મેરિલ એકેડેમી ૧૨ દેશોમાં હાજર છે. વર્ષ ૨૦૨૪ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મેરિલે ગુજરાત સરકાર સાથે રૂ.૯૧૦ કરોડના નવા રોકાણના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. અત્યાર સુધી મેરિલે રૂ.૧૪૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે જે ભારતમાં મેડટેક ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવે છે. આ રોકાણથી ૫૦૦૦ નોકરીઓની તકો ઉભી થવાની શક્યતા છે.
•જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર ગ્રામજનોએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું
વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ વલસાડ જિલ્લાના ૩૦૧ આયુષ્યમાન આરોગ્ય મંદિર, ૫૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૭ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ અને પેરામેડિકલનો સ્ટાફ તેમજ ગ્રામજનો નિહાળી શકે તેવી વ્યવસ્થા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જિલ્લામાં અંદાજે ૨૨૪૮૪ લોકોએ વડાપ્રધાનશ્રીનું વક્તવ્ય નિહાળ્યું હતું.