ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ખાનગી બસમાં આગ લાગી હતી. હાઈવે પર પુરઝડપે દોડી રહેલી બસનું ટાયર ફાટ્યા બાદ બસમાં આગ લાગી હતી. આગ લાગતા અંદર સવાર 18 મુસાફરના જીવ જોખમમાં મુકાયા હતા. બનાવને કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. બનાવની વિગત મુજબ અમદાવાદથી કર્ણાટકના બેલગામ જતી ભાગ્ય લક્ષ્મી ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ વલસાડ જિલ્લાના પારડીના ખડકીના બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પુરઝડપે દોડી રહેલી આ બસનું ટાયર ફાટયું હતું. ટાયર ફાટતાં જ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બસમાં સવાર તમામ મુસાફરો મીઠી નીંદર માણી રહ્યા હતા. જોકે આગ લગતા બસચાલકે બસને થોભાવી બુમાંબૂમ કરતા બસમાં સવાર મુસાફરોમાં દોડધામ મચી ગઇ હતી. સળગતી બસમાંથી મુસાફરો પોતાનો જીવ બચાવી ઉતરી ગયા હતા. પહેલા બસના એક ભાગમાંથી આગની શરૂઆત થઈ હતી. પરંતુ થોડી જ વારમાં આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આથી સતત ધમધમતા હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 3 ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે આખી બસ આગમાં સપડાઈ ગઈ હતી. આથી આગ કાબુમાં આવે એ પહેલા આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી. આથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ બસમાં મુસાફરોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કર્ણાટક જતી આ બસમાં મુંબઇમાં સાડીઓનો છૂટક ધંધો કરતી મહિલા અને પુરુષ દિવાળીના વેપાર માટે લાખો રૂપિયાની સાડી લઈ બસમાં બેઠા હતા. જોકે બસમાં સાડી સહિત તમામ સામાન બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હતું. પોતાની પરસેવાની કમાણીથી ખરીદેલો માલ બળી જતા આ મહિલાઓને પુરુષો કફોડી સ્થિતિમાં મુકાયા હતા. બનાવને પગલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે બે કલાકથી વધુ સમય સુધી જામ રહ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે પોલીસ પણ દોડતી થઈ હતી. અને હાઇવે પરના વાહન વ્યવહારને યથાવત કરવા પ્રયાસો કર્યા હતા.