ગુજરાત એલર્ટ । આહવા
ડાંગ જિલ્લામાં દીપડાનો આતંક યથાવત છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં નડગખાડી ગામમાં માનવભક્ષી દીપડાએ 53 વર્ષીય આધેડનો જીવ લીધો છે. માનવભક્ષી દીપડાએ આધેડને ફાડી ખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને પગલે વન વિભાગે દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લાના આહવા તાલુકાના નડગખાડી ગામે રહેતા મોતીરામ રાઉત (ઉં.વ 53) આજે સવારે 6 વાગ્યાની આસપાસ શૌચક્રિયા માટે જઈ રહ્યા હતા, ત્યારે માનવભક્ષી દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અંગેની જાણ થતા વન સંરક્ષક, RFO, સરપંચ સહિતનાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
જે બાદ મૃતક મોતીરામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વનવિભાગે દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી. તો આ ઘટનાને પગલે સ્થાનિકો લોકોમાં ફફડાટ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તાલાલા તાલુકાના જશાપુર ગીર ગામે ખેડૂત અને શ્રમજીવીઓ પર હિંસક દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં ખેડૂત સહિત બેને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બાદ વન વિભાગની ટીમ દોડતી થઈ હતી. વનવિભાગની ટીમે દીપડાને ટ્રાન્ક્વિલાઈઝર ગનથી બેશુધ્ધ કરી પકડી પાડયો હતો.