અમદાવાદ : ગુજરાતમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાની મહેર થઇ છે. સુકાતી મોલાતને જીવતદાન મળ્યું છે. કપાસ – મગફળી જેવા પાકને નુકસાન થતું અટકયું છે. જન્માષ્ટમી પછી શરૂ થયેલ મેઘસવારીથી રાજ્યના સરેરાશ વરસાદમાં બે દિવસમાં ૫.૫૧ કાનો વધારો થયો છે. તા. ૩૧ સવારે રાજ્યનો સરેરાશ વરસાદ ૪૩.૧૪ હતો. તે ગઇકાલે ૪૫.૮૫ ટકા અને આજે સવાર સુધીમાં ૪૮.૬૫ ટકા થયો છે. આજે સવાર સુધીનો રાજ્યનો મોસમનો સરેરાશ વરસાદ ૪૮.૬૫ ટકા નોંધાયો છે.અત્યાર સુધીમાં કચ્છમાં સરેરાશ ૪૪.૯૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૭.૭૮ ટકા, મધ્ય ગુજરાતમાં ૪૩.૪૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૬.૧૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૬.૧૪ ટકા વરસાદ નોંધાયો છે. ખરીફ પાક માટે હજુ મુશળધાર વરસાદની જરૂર છે.ગુજરાતમાં કુલ ૨૫૧ પૈકી અત્યાર સુધીમાં ૧૬ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ અને ૩૬ તાલુકાઓમાં ૨૦ થી ૪૦ ઇંચ વચ્ચે વરસાદ પડયો છે. ૧૨૪ તાલુકાઓમાં ૧૦ થી ૨૦ ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. વરસાદ સાવ ન પડયો હોય તેવો એક પણ તાલુકો નથી. હજુ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ હોવાથી ખેડૂતોને સારી આશા છે.