ગુજરાતમાં હવે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો પણ વાહનચાલકોને લાયસન્સ આપી શકશે.

ગાંધીનગર
ગુજરાતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું સહેલું પડશે, કેમ કે આરટીઓ ઉપરાંત રાજ્યની ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો પણ વાહનચાલકોને લાયસન્સ આપી શકશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણયની જાહેરાત તો કરી દીધી છે પરંતુ તેમાં જે શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે શરતો ભાગ્યે જ કોઇ ડ્રાઇવિંગ સ્કૂલ પાળી શકે તેમ છે, તેથી આ નિર્ણયનો અમલ થવો કઠીન છે.
વાહનચાલકો જે સ્કૂલમાંથી તાલીમ મેળવ્યા હોય તે સ્કૂલમાંથી લાયસન્સ મેળવી શકશે, કારણ કે લાયસન્સ ઇસ્યુ કરવાની છૂટ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આપી છે. કેન્દ્ર સરકારના આદેશ પછી રાજ્ય સરકારે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલ સ્થાપિત કરવા માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. આ સ્કૂલમાંથી તાલીમ મેળવનારા વાહનચાલકોને આરટીઓ દ્વારા આયોજીત ટેસ્ટમાં સામેલ થવું પડશે નહીં.
ગાઈડલાઈન પ્રમાણે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ સ્કુલો પાસે પોતાની જમીન અને ટ્રેનીંગ માટેની ઈન્સ્ટીટયુટ હોવી જોઈએ. ડ્રાઈવીંગ સ્કુલ ત્યારે જ પ્રમાણપત્ર આપી શકશે જયારે તાલીમ મેળવનાર વ્યક્તિએ 70 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય. આ પ્રમાણપત્રનાં આધારે આરટીઓ દ્વારા ઉમેદવારની એકપણ પ્રકારની ટેસ્ટ લીધા વિના અધિકારીઓ દ્વારા લાયસન્સ ઈસ્યુ કરી આપવામાં આવશે. આરટીઓ સંસ્થા દ્વારા અપાયેલા પ્રમાણપત્રના આધારે જ ડ્રાઈવિંગ લાયસન્સ આપશે. તેમ છતાં સંસ્થાને ઉમેદવારનો રેકોર્ડ રાખવામાં આવશે જેને જરૂર પડે ત્યારે આરટીઓ ઈન્સ્પેકટર દ્વારા તપાસવામાં આવી શકે છે. જો કે, હાલ જે ડ્રાઈવિંગ સ્કુલમાંથી તાલીમાર્થીઓએ તાલીમ લીધી છે તેઓને આરટીઓ ખાતે ડ્રાઈવીંગ ટેસ્ટ આપવી પડશે. આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, આ નવા નિયમોનાં કારણે હાલ જે સ્કુલ ચાલુ છે તે બંધ કરવામાં નહીં આવે.
અધિકારીએ કહ્યું હતું કે માન્યતા પ્રાપ્ત સ્કૂલ આરટીઓનો બોજો હળવો કરશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!