કોરોના કપરા કાળ દરમિયાન કેટલાય પરિવારો વ્યાજખોરોના ચક્કરમાં સપડાયાની આશંકા : સ્વજનોને કોરોનાથી બચાવવા મિલ્કત ગિરવે મૂકયા વિના પાંચ લાખ સુધીની લોન મેળવી
નવી દિલ્હી: ગુજરાતમાં કોરોનાની સારવાર માટે ૪,૬૨૦ લોકોને જાહેર ક્ષેત્રની સરકારી બેંકોમાંથી લોન લેવી પડી છે, જે તે બેંકના ખાતાધારકે પોતાના માટે કે પછી પરિવારના સભ્યની કોવિડ સારવાર માટે આ લોન મેળવી છે, સરકારે પાંચ લાખ સુધીની લોનની સવલત પૂરી પાડવાની જાહેરાત કરી હતી.સરકારી બેંકોમાંથી કોઈ પણ જાતની મિલકત કે વસ્તુ ગિરવે મૂકયા વિના ગુજરાતીઓએ કોરોનાની સારવાર માટે પાંચ લાખની મર્યાદામાં લોન લીધી છે, ટર્મ લોનના સ્વરૂપે ત્રણથી પાંચ વર્ષની પુનઃ ચુકવણીનો સમય ગાળો રખાયો હતો, એટલું જ નહિ પરંતુ જે તે બેંકની મનસૂફી પ્રમાણે ત્રણ મહિનાથી માંડી છ મહિના સુધી લોનનો પહેલો હપ્તો ચુકવવાનો થતો નથી, એ પછીથી લોનની ચુકવણી કરવાની રહે છે.
આ તો માત્ર જાહેર ક્ષેત્રની સરકારી બેંકના આંકડા કેન્દ્રના નાણાં મંત્રાલયે તાજેતરમાં બહાર પાડયા છે, ખાનગી બેંકમાંથી લોન લેનારાના આંકડા સામેલ નથી, નહિતર આંકડો હજુ ઊંચે જાય તેમ છે. ગુજરાતમાં ૪,૬૨૦ લોકોની લોન મંજૂર થઈ હતી, જોકે કુલ કેટલા લોકોએ લોન માગી હતી તેના આંકડા જાહેર કરાયા નથી.જાણકારો એવી પણ શંકા સેવે છે કે, સારવાર માટે કેટલાય પરિવારો વ્યાજખોરોના ચક્કરમાં સપડાયા હશે. જાહેર ક્ષેત્રની બેંકોમાંથી દેશભરમાં કુલ ૧.૩૩ લાખ ખાતા ધારકોએ પોતાના માટે કે પછી પરિવારના સભ્ય માટે લોન મેળવી છે. દેશમાં સૌથી વધુ તામિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિતના રાજયોના લોકોએ લોન લીધી છે.રાજય
લોનધારકોની સંખ્યા
તામિલનાડુ
૩૩,૯૧૭
કર્ણાટક
૨૦,૩૯૧
ઉત્તરપપ્રદેશ
૧૨,૫૬૯
પશ્ચિમ બંગાળ
૮,૦૦૦
મહારાષ્ટ્ર
૭,૯૬૭
ઓડિસા
૫,૫૨૨
બિહાર
પ,૧૫૧
કેરળ
૪,૮૦૧
ગુજરાત
૪,૬૨૧
પંજાબ
૩,૫૨૦
તેલંગાણા
૩,૩૮૯
મધ્યપ્રદેશ
૩,૦૯૨