ગુજરાત એલર્ટ । વલસાડ
અમેરિકામાં જે રીતે સ્પેસએક્સ કંપની કાર્યરત છે એ જ રીતે ભારત સરકાર હવે સ્પેસ સેક્ટર(અંતરિક્ષ ક્ષેત્ર)માં ખાનગી કંપનીઓ સાથે જોડાઇ કરવા જઇ રહી છે. જેના કારણે ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રમાં આગામી સમયમાં રોજગારીની મોટી તકો ઉભી થઇ શકશે. જેનો લાભ સાયન્સ અને ખાસ કરીને એન્જિનિયર ક્ષેત્રના વિદ્યાર્થીઓ લઇ શકશે. એવું વલસાડ અનાવિલ સમાજના શેરી ગરબા મહોત્સવ અને વિદ્યા સેતુ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા ઇસરો અમદાવાદના ડિરેક્ટર નિલેશ દેસાઇએ ગુજરાત એલર્ટને આપેલી વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતુ.
ભવિષ્યમાં ઇસરોમાં કારકિર્દીની ખુબ ઉજળી તકો વિષે વાત કરતાં તેમણે જણાવ્યું કે, અમદાવાદ કેન્દ્રમાં થોડા ગુજરાતીઓ છે, પરંતુ ઉચ્ચ કક્ષાએ તેઓ એક માત્ર ગુજરાતી છે. આ ક્ષેત્ર વિશાળ છે. ભવિષ્યમાં ભારતની અનેક કંપનીઓ ઇસરો સાથે જોડાઇ રહી છે. ત્યારે અંતરિક્ષ ક્ષેત્રમાં અનેક રોજગારીની તકો ઉભી થશે. જેમાં ઇલેક્ટ્રીકલ, કેમિકલ, મિકેનિકલ એન્જિનરો માટે ઉજળી તકો ઉભી થશે. ઇસરો દ્વારા પણ સમયાંતરે ભરતી થતી જ રહેતી હોય છે. તેની જાણકારી રાખી વિદ્યાર્થીઓ ઇસરોની ખાસ પરિક્ષા પાસ કરી તેમાં જોડાઇ શકે છે.
ભારત સરકાર અન્ય દેશોની સરખામણીએ એરોસ્પેસ પર હવે ખુબ ભાર મૂકી રહ્યું છે. જેને લઇ અનેક યુવાનોને રોજગારીની તકો મળશે.
ચંદ્રયાન પછી શું તે અંગે તેમણે ભવિષ્યની યોજના અંગે ચર્ચા કરતા જણાવ્યું કે, હાલ આંતરરાષ્ટ્રિય સ્પેસ બજારમાં ભારતનો હિસ્સો અત્યારે માત્ર 2 ટકા જેટલો છે. જેને 5 થી 7 ટકા પર લઇ જવા ખાનગી કંપનીઓ સાથે જોડાણ થશે. ઇસરોની સેવાઓ ખાનગી કંપની ઉપયોગ કરી શકશે અને ઇસરો ખાનગી કંપનીને અનેક મોટા પ્રોજેક્ટ સોંપશે. ઇસરો આગામી 2 વર્ષમાં ગગનયાન થકી આગામી સમયમાં ભારત પણ અંતરિક્ષ યાત્રીઓ પહેલાં અંતરિક્ષ અને પછી ચંદ્ર પર મોકલવા પ્રયાસ કરશે. ઇસરોનો આ પ્રોજેક્ટ આગામી 2 વર્ષમાં સાકાર થાય એવી ગણતરી હાલ લગાવાઇ રહી છે.