તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિખિલ ભંડારીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખીત રજુઆત કરી છ દિવસમાં એક્શન નહિ લેવાય તો ધરણા સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરવા ચીમકી આપી
ગુજરાત એલર્ટ|વલસાડ
ધરમપુરની એએનએમ અને જીએનએમના કોર્ષના નામે વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ કબ્જામાં લઈ તેમના ભવિષ્ય સાથે ચેડાં કરી રહેલાં વ્યક્તિઓ સામે મહીના બાદ પણ પોલીસે કાયદેસર કાર્યવાહી ન કરતા વિદ્યાર્થીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે. જે બાબતે વિદ્યાર્થીઓ ધરમપુર ભાજપ યુવા મોરચા પ્રમુખ નિખિલ ભંડારીને રજુઆત કરતા તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખીત રજુઆત કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યું છે કે ધરમપુરની શ્રી મહાત્માગાંધી ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ જપ્ત કરી તેમના ભવિષ્ય સાથે ચેડાં કર્યા છે. જે બાબતે વિદ્યાર્થીઓએ ધરમપુર પોલીસ મથકમાં તા. 10-1-2023ના રોજ ફરિયાદ કરી હતી. જેનો હજી સુધી નિવારણ આવ્યું નથી. કોલેજના આચાર્ય હરેશ પટેલે પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ તેમજ ઉઘરાવેલી (સ્કોલરશીપ) શ્રી મહાત્માગાંધી ઇન્સ્ટિટ્યૂટમાં જ જમા કરી હતી. છતાં પોલીસે કસૂરવારો સામે કાયદેર પગલાં ભર્યા નથી. જેથી છ દિવસમાં આ વિદ્યાર્થીઓને ન્યાય ન મળે તો વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે ધરમપુર તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિખિલ ભંડારીએ ધરમપુર પોલીસ મથકની બહાર આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી પણ આપી છે.