રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : રાજ્ય સરકાર દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે -બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજા

છત્તીસગઢના ભિલાઈનગર ખાતેના ગુજરાતી સમાજ ભવનના હયાત મકાનના વિસ્તરણ માટે રૂ. ૪૦ લાખની સહાય મંજૂર : દેશભરના કુલ ૨૨ ગુજરાતી સમાજ ભવનના નિર્માણ મરામત માટે અંદાજિત રૂ. ૧ કરોડ ૯૦ લાખની સહાય ચૂકવાઈ

રાજકોટ : બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતીઓ પ્રત્યે ઉદાર ભાવના દર્શાવતા કહ્યું હતુ કે, રાજ્ય સરકાર દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે છે. ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓએ રચેલી સંસ્થાઓને ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે આર્થિક સહાય આપવાની યોજના અંતર્ગત છત્તીસગઢના ભિલાઈનગર ખાતેના ગુજરાતી સમાજ ભવનના હયાત મકાનના વિસ્તરણ માટે રૂ. ૪૦ લાખની સહાય મંજૂર કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું હતુ કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે બિન નિવાસી ગુજરાતીઓ પ્રત્યે હંમેશા ઉદાર ભાવના દાખવી મહત્વના નિર્ણયો કર્યાં છે. અન્ય રાજ્યમાં આવેલ ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ.૪૦ લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના ૪૦ ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ તેમજ હયાત સમાજ ભવનના મરામત માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. ૧૦ લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના ૪૦ ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.
ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટે આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં દેશના ૯ રાજ્યોમાં આવેલા ૨૨ ગુજરાતી સમાજોને સમાજ ભવનના નિર્માણ કે મરામત માટે અંદાજિત રૂ. ૧ કરોડ ૯૦ લાખની સહાય ચૂકવી છે. છેલ્લા ૨ વર્ષમાં આસામના ગૌહાતી ખાતેના ગુજરાતી સમાજ, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેના ગુજરાતી સમાજ અને ઓરિસ્સાના ભદ્રક ખાતેના ગુજરાતી સમાજ માટે આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!