નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રૂ.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું
ગુજરાત એલર્ટ | વલસાડ
અતુલ – દિવેદ રેલવે ઓવરબ્રિજનાં લોકાર્પણ પ્રસંગે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ દેશને નંબર વન બનાવવા માંગતા હોઈ 2024 માં નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવાં પડશે એમ જણાવી 2024 ની લોકસભા ચૂંટણીની તૈયારી કરવાનાં સંકેત આપ્યાં હતાં.
નાણાંમંત્રીએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૫૨ કરોડના ખર્ચે ૧૨૨૩ મીટરના નવા નિર્માણ કરાયેલા અતુલ – દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. આ ઓવરબ્રિજ દ્વારા કોસ્ટલ હાઈવેને જોડતા ભગોદ, ઉમરસાડી તેમજ દમણ જવા માટે ટૂંકી કનેક્ટીવીટી મળશે. વલસાડના શહેરી, ગ્રામ્ય વિસ્તાર અને રેલવે ઓવરબ્રિજની આસપાસના ગામોને રેલવે ફાટક ઉપર સમય વેડફ્યા વિના ગામોમાં ઝડપી ઈન્ટર કનેક્ટીવીટી મળશે.
ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીએ કહ્યું હતું કે, આ ઓવરબ્રિજ દ્વારા લોકોને ઝડપી કનેક્ટીવીટી મળશે અને રેલવે ફાટકની સમસ્યા રહેશે નહીં. લોકોના કિંમતી સમય અને પેટ્રોલની પણ બચત થશે જેના કારણે પર્યાવરણને પણ ફાયદો થશે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૪ સુધીમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની તાસીર બદલી નાંખી છે. ત્યારે ૨૦૧૪થી લોકોએ એમને વડાપ્રધાન તરીકે દેશના પ્રતિનિધિ બનાવ્યા બાદ એમના નેતૃત્વમાં દેશમાં એક નવું જ પરિવર્તન આવી રહ્યું છે. તેના પરિણામરૂપે આજે સમગ્ર વિશ્વમાં જી-૨૦ સમૂહોના દેશનું આજે નેતૃત્વ કરીને ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યું છે એનો સૌથી વધું યશ દેશના યુવાઓને જાય છે. દેશના કમાતા યુવાધનને કારણે ખુબ જ જલ્દી ભારત વિશ્વનો નંબર.૧ દેશ બની જશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ એના માટે 2024 માં નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવા પડશે એમ કહી 2024 ની તૈયારીના સંકેત આપ્યા હતાં.
આ પ્રસંગે સાંસદ ડૉ.કે.સી.પટેલ અને વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. જયારે આભારવિધિ આર. એન્ડ બી. ના કાર્યપાલક ઈજનેર એન.એન.પટેલે કરી હતી. આ અવસરે જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, કલેકટર ક્ષિપ્રા એસ. આગરે, સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વલસાડ પ્રાંત નિલેશ કુકડિયા અને પશ્ચિમ રેલવેના એરિયા મેનેજર અશોક ત્યાગી ઉપસ્થિત રહ્યા હતા.