વલસાડ
મોદી સરકારના સુશાસનના આઠ વર્ષ પૂર્ણ થતા સરકારની સાફલ્યગાથા રજુ કરવાં વલસાડ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને ચેલેન્જ કરી હતી. તેમણે કહ્યું હતું કે અનંત પટેલમાં તાકાત હોય તો આ ચૂંટણીલક્ષી આંદોલન કોંગ્રેસના ખેસ પહેરીને કરી બતાવે અને જે કોઈ લોકો આંદોલનમાં આવે તેને કોંગ્રેસનો ખેસ પહેરાવી આંદોલન કરી બતાવે.
કેબિનેટ મંત્રી નરેશ પટેલે મીડિયાને આપેલાં ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું ચોક્કસપણે કહીશ કે અનંત પટેલ આદિવાસીના નામે જે રીતે આંદોલન કરે છે તે આદિવાસીને ગેરમાર્ગે દોરે છે. અનંત પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે. પોતાની તાકાત હોય અને ચૂંટણીલક્ષી આંદોલન કરી રહ્યા હોય ત્યારે તેમણે કોંગ્રેસનો ખેસ પહેરીને અને જે કોઈ લોકો આંદોલનમાં આવે તેને કોંગ્રેસનો ખેસ પહેરાવી આંદોલન કરે. પાર તાપી નર્મદા રિવર લિંક યોજના મુદ્દે અમે યોજના કાયમી રદ કરી હોવાની જાણકારી પ્રજાને આપી છે. તેમ છતા તેઓ કયા મુદ્દે આંદોલન કરે છે તે તેમનો વિષય છે. અમે હંમેશા પ્રજાની પડખે છીએ અને રહેશું.
વધુમાં તેમણે કહ્યું કે મધુબન ડેમમાંથી ધરમપુર, ખેરગામ, વાસદા અને ગણદેવી તાલુકામાં પાઇપલાઇન દ્વારા પાણી લઇ જવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. અનંત પટેલે જો વિરોધ કરવો હોય તો આ યોજનાનો પણ વિરોધ કરવો જોઈએ. એક બાજુ પાણી માટે યાત્રા કરવી છે બીજી બાજુ ડેમનો વિરોધ કરવો છે કઈ દિશામાં જવું છે એમણે નક્કી કરવાનું છે. અમે જે સમજીએ તે પ્રમાણે વિકાસ લોકો માટે ખૂબ જરૂરી હોય છે.
મોદી સરકારના સુશાસનના ૮ વર્ષ પૂર્ણ થતા કેબિનેટ મંત્રી નરેશ પટેલે સરકાર દ્વારા કરેલાં કામોની જાણકારી આપી હતી. કિસાન સન્માન નિધિમાં ડાયરેક્ટ બેંક ખાતામાં પહેલો હપ્તો જમા થયો ત્યારે આ યોજના ચાલશે કે કેમ એવી શંકા લોકોના મનમાં હતી પરંતુ સીમલાથી 11 મો હપ્તો જમા કરી સરકારે વિશ્વાસનીયતા ઊભી કરી છે એમ કહ્યું હતું. આ ઉપરાંત વન નેશન વન રેશનની યોજના લાગુ કરી ભારતનો કોઈ પણ નાગરિક ગમે ત્યાં સ્થળાંતર કરે તો પણ તેને રાશન મળે એવી વ્યવસ્થા સરકારે કરી છે. શુદ્ધ પાણી મળે તે માટે નલ સે જલ યોજના 2024 પહેલા પૂર્ણ કરવાની સરકારની નેમ છે. પુરા દેશમાં ૨૪ કલાક વીજળી આપવા માટે સરકાર કાર્યરત છે. પાછલા પાંચ વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને માનભેર જીવડાવવા માટે જે પ્રયત્નો કર્યા તેના હકારાત્મક પરિણામો મળ્યા છે. એમ ઉમેર્યું હતું.
આ પત્રકાર પરિષદમાં રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી, વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, રમણભાઈ પાટકર, અરવિંદભાઈ પટેલ, ઉષાબેન પટેલ, માધુભાઇ કથીરિયા, જીતેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, કમલેશ પટેલ, રાજા ભાનુશાલી, ઈલિયાસ મલેક, દિવ્યેશ પાંડે સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.