વલસાડ
વલસાડ તાલુકાના મગોદડુંગરી મોટીછાપરીમાં બ્રહ્મકમળનું ફૂલ ખીલતા લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતાં. આ દ્રશ્યો મોબાઈલમાં કંડારી લેવામાં આવતાં અદભુત નઝારો જોવા મળ્યો હતો. બ્રહ્મકમળ દિવ્ય તથા દુર્લભ છોડ છે. જેનું નામ બ્રહ્માજી પરથી પાડવામા આવ્યુ છે. બ્રહ્મકમળનો છોડ લગભગ પાંચ ફૂટ જેટલો ઊંચો, તેનાં પાન એક ફૂટ જેટલા લાંબાં, કંગરાળી ખાંચવાળાં અને ભેજ સંગ્રહી શકે એવાં જાડાં પાંદડાંની વચ્ચેની જાડી નસ જેવી દાંડી સાથે એકાદ ફૂટ નીચે, આપણી આંગળી જેટલી જાડાઈ હોય છે.
બ્રહ્મકમળ મુખ્યત્વે હિમાલય, બર્માના ઉત્તરમાં જોવા મળે છે. તેના ફૂલો ખુબ સુગંધીત હોય છે અને એક જ રાત માટે ખીલે છે, પછી કરમાઈ જઈ નીચેની તરફ પુષ્પદાંડી પર લટકી પડે છે. લોક માન્યતા મુજબ મધ્યરાત્રિએ બ્રહ્મકમળનું ફૂલ જોવુ ખુબ શુકનવંતુ માનવામા આવે છે. બ્રહ્મકમળ વિશ્વપ્રસિદ્ધ છે તે ઉત્તરાખંડ રાજ્યનું રાજ્ય પુષ્પ છે. જેને 2005માં વિશ્વ વારસા તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ તાલુકાના મગોદડુંગરી મોટી છાપરીમા રહેતા પ્રજ્ઞેશ બાબુભાઈ ટંડેલ ના ઘરે રાત્રે બ્રહ્મકમળનું ફૂલ ખીલતા આજુબાજુનાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. બ્રહ્મકમળ ફુલ વર્ષમાં એક જ વાર ખીલે છે. પ્રજ્ઞેશભાઈ એ જણાવ્યું હતું કે અમારા ઘરે દર વર્ષે બ્રહ્મકમળ નું ફૂલ ખીલે છે તેના દર્શન કરવા માટે આજુબાજુના રહીશો રાહ જોતા હોય છે