(HMPV) હ્યુમન મેટાન્યુમોવાઈરસ થી ગભરાવવાની જરૂર નથી , સાવચેતી જરૂર રાખીએ: હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે-આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

ગુજરાત એલર્ટ | વલસાડ
હાલમાં ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ(HMPV)ના કેસો જોવા મળી રહ્યા છે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા. ૪ જાન્યુઆરી ના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં HMPV વાઈરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે.
સામાન્ય નાગરિકોએ હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV)થી ગભરાવવાની જરૂર નથી, પરંતુ વાઇરસના લક્ષણો સમજીને તેના ચેપ સાથે સંબંધિત બાબતો જાણવી અને અપનાવવી જરૂરી છે.

મેટાન્યુમોવાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો
-મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
-વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
-આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.

મેટાન્યુમોવાઈરસ(HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું?
-જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
-નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
-ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
-તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
-વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
-પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
-બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
-શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

મેટાન્યુમોવાઈરસ(HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું
-આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ.
-ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
-જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
હાલમાં, ગુજરાતમાં HMPV વાઈરસનો એક પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ ખાતે સારવાર માટે આવેલા 2 મહિનાના બાળકના સેમ્પલ HMPV પોઝિટિવ જણાયા છે,હાલમાં બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગભરાયા વિના સાવચેત રહેવા, ઉપર જણાવેલા સૂચનો અપનાવવા અને વાઇરસના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આથી જણાવવામાં આવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!