ગુજરાત એલર્ટ | વલસાડ
સોશીયલ મીડિયામાં ફેમસ થવા દરિયામાં કાર ઉતારી દરિયાના મોજા કાર સાથે અથડાવી રિલ્સ બનાવાના ચક્કરમાં ઝોખમી સ્ટન્ટ કરવાનો વિડિઓ સોશીયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં ડુંગરી પોલીસે થાર લઈને સ્ટંટ કરનારા યુવાન સાથે આ વિડીયો ઉતારનારાને પણ આરોપી બનાવી દેતા અનેક ચર્ચાઓ ઉઠી છે.
વલસાડ તાલુકાનાં દાંડી ગામના દરિયાકિનારે મહિન્દ્રા થાર સાથે કારમા જોખમી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો હતો. જેની તપાસ કરતા મહિન્દ્રા કંપનીની થાર કાર તથા વિડીયો PATEL RONAK 25.ronak_ની ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર અપલોડ થયો હોવાનું જણાયું હતું. જે અંગે તપાસ કરતા આ વિડીયો ગઇ તા.૨૫/૦૬/૨૦૨૪ ના બપોરના સમયે બનાવેલ હોવાનું અને આ વિડીયોમા દેખાતી મહિન્દ્રા થાર કાર નં. GJ-21-CE-0025 ની તથા આ કારમાં સ્ટંટ કરનાર રોનકભાઇ હસમુખભાઇ ધો.પટેલ, ઉ.વ.૧૯, રહે.ધરમપુર ટાઉન, વાલોડ ફળીયા તા.ધરમપુર, જી.વલસાડનો હોવાનું જણાયું હતું. આ બનાવમાં ડુંગરી પોલીસે સ્ટંટ કરનારા રોનકની સાથે તેની વિડીયોગ્રાફી કરી આપનારા રોનકના મિત્ર જયઅનમોલ સંજયભાઇ પટેલ, ઉ.વ.૨૧ રહે.ધરમપુર ટાઉન, વાલોડ ફળીયા, તા.ધરમપુર જી.વલસાડ ને પણ આરોપી બનાવી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે ડુંગરી પીએસઆઈ એ.બી. ગોહિલને પૂછતાં તેમણે જયઅનમોલે વિડિયો ઉતારી આપી રોનકની મદદગારી કરી હોવાનું જણાવ્યું હતું.
ડુંગરી પોલીસે જે રીતે કારનો વિડીયો ઉતારનારા યુવાનને આરોપી બનાવી દીધો છે. તે રીતે જોતા ડુંગરી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચાલતા કથિત દારૂના અડ્ડાઓમાં ડી- સ્ટાફનાં પોલીસકર્મીઓની મદદગારીની ભૂમિકા પોલીસે તપાસવી પડશે. અને એવા ધંધાઓ પર દારૂના કેસ થાય ત્યારે જો મદદગારી નીકળે તો પોલીસને પણ આરોપી બનાવવા પડશે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે.