ગુજરાત એલર્ટ | નવી દિલ્હી
ભારતમાંથી થાઈલેન્ડ જવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. હવે થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. થાઈલેન્ડના સરકારી પ્રવક્તાએ કહ્યું છે કે ભારત અને તાઈવાનથી આવનારા લોકો માટે વિઝાની જરૂરિયાતો માફ કરવામાં આવશે. રોયટર્સ મુજબ આ છૂટ આવતા મહિનાથી મે 2024 સુધી આપવામાં આવશે.
થાઈલેન્ડ સરકારના પ્રવક્તા ચાઈ વાચારોન્કેએ કહ્યું હતું કે, “ભારત અને તાઈવાનથી આવતા લોકો 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં પ્રવેશ કરી શકે છે.” થાઈલેન્ડ પ્રવાસીઓ માટે તેના વિઝા નિયમો છૂટ આપવાની શક્યતા શોધી રહ્યું છે, જેમાં વિઝા માફી અને પ્રવાસીઓ માટે રોકાણનો સમયગાળો લંબાવવાનો સમાવેશ થાય છે.
હાલમાં ભારતના પ્રવાસીઓએ 2 દિવસના થાઈલેન્ડ વિઝા માટે 2000 બાત (લગભગ 4500 રૂપિયા) ચૂકવવા પડે છે. થાઈલેન્ડની નવી સરકાર આવતા વર્ષે વિદેશી પ્રવાસીઓની આવક વધારીને 3.3 ટ્રિલિયન બાત સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. જેમાં પ્રવાસ ઉદ્યોગ શ્રેષ્ઠ ટૂંકા ગાળાના આર્થિક પ્રોત્સાહન પ્રદાન કરે છે. બેંક ઓફ થાઈલેન્ડના ડેટા મુજબ પ્રવાસન જીડીપીમાં લગભગ 12% અને નોકરીઓમાં લગભગ પાંચમા ભાગનું યોગદાન આપે છે.
થાઈલેન્ડની મુલાકાતે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા પછી સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાંથી આવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતમાંથી 12 લાખ પ્રવાસીઓ થાઈલેન્ડ ગયા છે. ભારત સરકારના આંકડાઓ મુજબ, વિદેશ પ્રવાસ કરનારા ભારતીયોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2011માં 1.4 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો હતો જે વર્ષ 2019માં વધીને 2.7 કરોડ થયો હતો. આ પછી કોરોનાનો સમયગાળો આવ્યો. તેમ છતાં વર્ષ 2022માં 2.1 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો હતો.