મહારાષ્ટ્રના રેતી વેપારીઓ સામે ગુજરાતના વેપારીઓએ બાંયો ચઢાવી.. વલસાડના કોસ્ટલ હાઇવે પર માલવણ ગામે રોડ બ્લોક કરી દીધો

વલસાડ
વલસાડ અને નવસારીના ટ્રક ઓનર્સ દ્વારા આજરોજ મહારાષ્ટ્રથી રેતી ભરવા આવતી ટ્રકોના વિરોધ માટે પોતાની ટ્રકો કોસ્ટલ હાઇવે પર મુકી દઇ રોડને મહદંશે બ્લોક કરી દીધો હતો. જેને લઇ કોસ્ટલ હાઇવે પર ટ્રકોની મોટી કતાર લાગી ગઇ હતી. સ્થાનિક ટ્રક માલિકો દ્વારા પોતાના ધંધાને નુકશાની તેમજ ઓવરલોડ ટ્રક ભરી આડેધડ ટ્રક હંકારવાના વિરોધમાં મહારાષ્ટ્રના ટ્રક ચાલકોને અહીં નહીં આવવા માટે આ આંદોલન હાથ ધર્યું હતુ.


વલસાડ અને નવસારીના ટ્રક માલિકોએ બે દિવસ અગાઉ નવસારી કલેક્ટર અને વલસાડ કલેક્ટરને મહારાષ્ટ્રના રેતીના વેપારીઓને અટકાવવા આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમાં તેમણે જણાવ્યું કે, વલસાડ નવસારીમાં અંદાજીત 300 થી વધુ ટ્રક માલિકો છે. તેમની ટ્રકને મહારાષ્ટ્રમાં જવા દેવાતી નથી. બીજી તરફ મહારાષ્ટ્રની ટ્રકો વલસાડ અને નવસારીમાં આવી ઓવરલોડ રેતી ભરી ત્યાં લઇ જાય છે. જેના કારણે સ્થાનિકોની હાલત કફોડી બની છે. અહીંથી તેઓ ઓવરલોડ ટ્રક લઇ જતાં કોસ્ટલ હાઇવે પર અનેક અકસ્માતો પણ સર્જાતા રહ્યા છે. તેમજ તેમના ઓવરલોડના કારણે રોડ તૂટવાના પણ બનાવો બન્યા છે. ત્યારે તેમની ટ્રક અટકાવવા તેમણે રજૂઆત કરી હતી, પરંતુ તેમની રજૂઆત બાદ પણ આ ટ્રક નહીં અટકતાં સ્થાનિકો દ્વારા આજરોજ કોસ્ટલ હાઇવે પર માલવણ ગામે સ્થાનિકોએ પોતાની ટ્રકો લાઇનમાં પાર્ક કરી અડધો રોડ બ્લોક કરી દીધો હતો જેના કારણે રેતી ભરવા આવેલી મહારાષ્ટ્રની ટ્રકો અહીંથી પસાર થઇ શકે નહી.

તેમજ અહીંથી નાના વાહનોએ પણ પસાર થવું મુશ્કેલ બન્યું છે વલસાડ-નવસારીના ટ્રક ચાલકોની હાલત એટલી કફોડી બની છે કે, તેમના માટે ટ્રકની લોનના હપ્તા કાઢવા પણ મુશ્કેલ બન્યા છે. જેના કારણે તેમણે કંટાળીને આ પગલું ભર્યું હતુ જોકે, આ ઘટના બનતાની સાથે જ ડુુંગરી પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

 

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!