અમદાવાદ: ગુજરાત પોલીસનું અશ્વદળ વધુ મજબુત થવા જઇ રહયું છે. ૧૩૧ નવા ઘોડા જોડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. રાજયભરમાં પોલીસ વડાની કચેરી સહીત ૧૩ સ્થળો ઉપર આ અશ્વોની ભરતી થશે. ખાસ કરીને થોરોબ્રીડ કે અરબી નસ્લ, કાઠીયાવાડી, મારવાડી, સ્ટાન્ડર્ડ કંન્ટ્રીની નસ્લના અશ્વો આ બેડામાં જોડાશે. અશ્વોની ખરીદી માટે રાજયમાં જુદા જુદા સ્થળો ઉપર સપ્ટેમ્બરથી ઓકટોબર મહિનામાં શિબિરનું આયોજન કરવમાં આવશે. જેમાં પાલનપુર જીલ્લા પોલીસ વડાની કચેરીએ તા.૧ લી સપ્ટેમ્બર, પાટણ પોલીસ વડાની કચેરીમાં ર સપ્ટેમ્બર, ભચાઉ એસઆરપી ગૃપ-૧૬માં ૩ સપ્ટેમ્બર, નવસારી પોલીસ વડા કચેરીમાં ૧૩ સપ્ટેમ્બર, આણંદ પોલીસ વડાની કચેરીમાં ૧૪ સપ્ટેમ્બર, અમદાવાદના મેઘાણીનગર સ્થિત ઘોડા કેમ્પમાં ૧પ સપ્ટેમ્બરના શિબિર યોજાશે. સાથોસાથ સુરેન્દ્રનગર પોલીસ વડાની કચેરીમાં ર૭ સપ્ટેમ્બર, જામનગર પોલીસ વડાની કચેરીમાં ર૮ સપ્ટેમ્બર, પોરબંદર પોલીસ વડાની કચેરીમાં ર૯ સપ્ટેમ્બર, ગોંડલ એસઆરપી ગૃપ-૮ માં ૪ ઓકટોબર, ભાવનગર પોલીસ વડાની કચેરીમાં ૭ ઓકટોબર અને સાળંગપુર સ્વામીનારાયણ મંદિર પરીસરમાં ૮ ઓકટોબરે અશ્વોની ભરતી થશે. ભરતી કરવામાં આવનાર અશ્વોની ઉંમર ૪ થી ૭ વર્ષ હોવી જોઇએ. થોરો કે અરબી નસ્લના ઘોડાની ઉંચાઇ ૬૧ થી ૬૩ ઇંચ, કાઠીયાવાડી ઘોડાની ઉંચાઇ પપ થી ૬૦ ઇંંચ, મારવાડી ઘોડાની ઉંચાઇ પ૮ થી ૬૧ ઇંચ અને સ્ટાન્ડર્ડ કન્ટ્રી ઘોડાની ઉંચાઇ ૬૧ થી ૬૩ ઇંચ હોવી જોઇએ. અશ્વોની ખરીદી માટે સમીતી બનાવવામાં આવી છે. અશ્વોના લોહીના નમુનાની તપાસ થશે. ઘોડા વેચવાવાળા લોકોને ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવશે.