અમદાવાદ: ગણેશ ચતુર્થીનો તહેવાર આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ત્યારેઙ્ગ ગુજરાતમાં દેશનું સૌથી મોટું ગણેશ મંદિર આવેલું છે અને તે અમદાવાદથી ૨૫ કિમી દૂર છે.આ વિશાળ મંદિર પોતાના સ્થાપત્યની સાથે અન્ય અનેક વાતો માટે જાણીતું છે. મંદિર ૬૦૦,૦૦૦ વર્ગ ફીટમાં ફેલાયેલું છે. અહીં ભગવાન ગણેશની પ્રતિમાની સાથે વિશેષ રીતે તૈયાર કરાયું છે. આ મંદિર ૧૨૦ ફીટ લાંબુ, ૭૧ ફીટ ઉંચું અને ૮૦ ફીટ પહોળું છે. અહીં ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને અલૌકિક ડિઝાઈન તૈયાર કરાઈ છે. ડિઝાઈન માટે રિવેટ સોફ્ટવેરનો ઉપયોગ કરાયો છે.
ગણેશ ભગવાનના મંદિરમાં કયાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું પરંતુ જમીનની ૨૦ ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર તે ઉભુ કરાયું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય ૧૦ જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. પાંચ માળના આ મંદિરમાં બીજા માળે ભકતો માટે ભજન કિર્તન કરવાની સુવિધા તૈયાર કરવામાં આવી છે. અહીં સત્સંગ માટે ખાસ સત્સંગ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આ મંદિર આવેલું છે. મંદિરની ઉંચાઈ ૭૩ ફૂટ ઉંચું છે. મુંબઈના જાણીતા સિદ્ઘિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ઘિવિનાયક મંદિરમાંથી અખંડ જયોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે.આ મંદિર અમદાવાદ શહેરથી લગભગ ૨૫ કિલોમીટર દૂર આવેલું છે. મંદિર ખુલ્લુ મુકાયા બાદ વર્ષે લાખો ભકતો અહીં દર્શન કરવા માટે આવે છે. દર મંગળવારે અહીં મોટા પ્રમાણમાં ભકતોની ભીડ રહે છે. વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે ૯મી માર્ચ, ૨૦૧૧ અને ફાગણ સુદ ચોથ, સંવત ૨૦૬૭ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ આશરે રૂ. ૧૪ કરોડના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું મનાય છે.
દાદરના સિદ્ઘિવિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગણેશનું મંદિર બનાવવું હોય તો નર્મદા કે વાત્રક નદીનો કિનારો હોવો જોઇએ તેમજ તે સ્થળે સફેદ આકડો હોવો જરૂરી છે. એટલે જ વાત્રક નદીના કિનારે આ મંદિર બનાવાયું છે.આ મંદિરના મુખ્ય આકર્ષણમાં ભગવાન ગણેશના દર્શનની સાથે અહીં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ તથા ભોજનાલય અને કાફેટેરિયાની સુવિધા છે. આ મંદિરમાં ગણેશજીની અખંડ જયોત પણ છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર મંદિર છે, જેના છેક ઉપરના માળે ગણેશજી બિરાજમાન છે, જયાં જવા ભકતો માટે લિફ્ટની પણ સુવિધા છે.દર્શનનો સમય સવારના ૬ થી સાંજના ૧૦ વાગ્યા સુધી અને સંકટ ચતુર્થી જેવા ખાસ દિવસોમાં દર્શનનો સમય સવારના ૫થી રાતના ૧૧ વાગ્યા સુધી હોય છે.