ગુજરાત એલર્ટ | વલસાડ
મોદી 3.0 બજેટના કારણે ગુજરાતને સૌથી વધુ ફાયદો સોલાર પ્રોજેક્ટમાં થશે તેમ ઉર્જા અને નાણા મંત્રી કનુભાઇ દેસાઈઍ જણાવ્યું છે. કેન્દ્ર સરકારે સોલાર પેનલ પરના કોમ્પોનન્ટ્સ પરનો ટેક્સ ઘટાડતા રાજ્યમાં રિન્યુઍબલ ઍનર્જી ક્ષેત્રે આવી રહેલા મોટા પ્રોજેક્ટ અને ઘરની છત પર સોલાર પેનલ લગાડતા લોકોને પણ તેનો ફાયદો મળશે.
બજેટમાં જે રીતે અર્થતંત્ર-ઉદ્યોગોને વેગ આપવાની જાહેરાતો છે તેના કારણે ગુજરાતના ગિફટ સિટીને પણ તેનો ભવિષ્યમાં ફાયદો થશે. કેન્દ્રીય બજેટને યુવાઓના કૌશલ્યવર્ધન સાથે રોજગારી મળે અને મહિલાઓને પણ ફાયદો થાય તેવું જણાવતા મંત્રીએ કહ્યું હતું કે, દરેક રાજ્યો માટે જે જંગી રકમ જાહેર કરાઇ છે તેનો લાભ ગુજરાતને પણ મળશે. પ્રાકૃતિક ખેતીનું ચલણ ગુજરાતમાં વધુ છે ત્યારે તેને લગતી જાહેરાતથી લાભ થશે. કચ્છ-સૌરાષ્ટ્ર સહિત સોલાર અને પવન ઉર્જા ક્ષેત્રે રાજ્યમાં નવા પ્રોજેક્ટ આવી રહ્ના છે તેને સૌથી વધુ ફાયદો મળશે. સ્ટોરેજ કરાતી વીજળી માટે પણ રાહત જાહેર કરાઇ છે. ઇન્કમટેક્સમાં રાહતથી પગારદાર વર્ગ, ઘરવિહોણાં માટે ૩ કરોડ આવાસની જાહેરાત, ૨ કરોડ યુવાનોને પહેલો પગાર ડીબીટીથી, ૧ કરોડ ઘરમાં સોલારથી વીજળી, બુલેટ અને મેટ્રો ટ્રેનની કનેક્ટિવીટી સહિત અને લાભ નાગરિકોને મળશે તેમ પણ જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર માં ગુજરાતના જે પ્રશ્નો હોય તેની દર મહિને દિલ્હી જઇને રજૂઆત કરાય છે અને તેનો નિકાલ પણ આવી જાય છે. કેન્દ્ર સરકારના બજેટમાંથી રાજ્યોને કુલ ૪૨ ટકા રકમ મળે છે તેમાંથી ગુજરાતને ૩.૪૭ ટકા રકમ મળશે અર્થાત રૂ.૪૩૩૧૩ કરોડ મળશે તેમ પણ જણાવ્યું હતું.