GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ

ગુજરાત એલર્ટ | વલસાડ
મુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવા ગુજરાત એસ.ટીની બસો કાર્યરત છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત એસ.ટી નિગમમાં અનેક આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’ મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે, આજે ગુજરાતની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે, જેનો ગુજરાતના ૭.૫ લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે, તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.

GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનમાં મુસાફરો બસ નંબર અથવા PNR No. ની મદદથી બસનું લાઈવ લોકેશન જોઈ શકે છે. એપ્લિકેશનમાં મુસાફરે બેસવા અને ઉતારવાની વિગતો ભરી તે રૂટ પર સંચાલિત તમામ બસોનું લાઈવ લોકેશન મેળવી શકે છે. મહિલા અને વયોવૃદ્ધ મુસાફર એકલા મુસાફરી કરતા હોય તેવા સમયે ઘરના સભ્યો દ્વારા બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી બસનો પહોંચવાનો સમય જાણી શકે છે. આ એપ્લિકેશન મારફતે મુસાફરો બસનું લાઈવ લોકેશન જાણી બસ સ્ટેશન પર પહોચવાનું યોગ્ય આયોજન કરી પોતાના સમયની બચત પણ કરી શકે છે.
બસોમાં મુસાફરી કરતા મુસાફરોને બસનું લાઈવ લોકેશન મળી રહે તેમજ પરિવહન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે, GSRTC દ્વારા GSRTC Live Tracking Android અને iOS મોબાઇલ એપ્લિકેશન મુસાફરોની સેવામાં કાર્યરત છે, જેમાં ૭.૧૯ લાખ મુસાફરો GSRTC Live Android Application તેમજ ૪૧ હજારથી વધુ મુસાફરો દ્વારા GSRTC Live iOS Applicationનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!