ખેરગામ તાલુકામાં રામલલ્લાની ભવ્યાતિભવ્ય ઉજવણી: સંકુલમાં રામ ભક્તોનો અભૂતપૂર્વ મેળાવડો

ગુજરાત એલર્ટ । ખેરગામ
ખેરગામ તાલુકાએ પણ ૧૩૨ વર્ષ પુરાણા રજવાડી રામજી મંદિર સંકુલમાં હજારોની સંખ્યામાં રામ ભક્તોની હાજરીમાં વડાપ્રધાનના -રામ રામ- શબ્દથી શરૂ થયેલા સંભાષણ સાથે પ્રતિભાવમાં જય શ્રી રામ ના ગગનભેદી નારાઓ લગાવી સમગ્ર ખેરગામને રામમય બનાવ્યું હતું.
સનાતન ધર્મિઓના પ્રભુ શ્રીરામના વિરહમાં દિન-રાત ઘૂંટાયા અને જેમના ગુણસમૂહોની પંક્તિઓનું નિરંતર રટણ કરાતું હતું તે રઘુકૂળનાં તિલક, સજ્જનોના સુખકર્તા અને દેવતા-મુનિઓના રક્ષક પ્રભુ શ્રી રામ સકુશળ સ્વગૃહે આવી જતા પુષ્પવર્ષા, શંખનાદ, મંત્રોચ્ચાર અને ભગવાન શ્રીરામના જયઘોષ વચ્ચે લોકલાડીલા ૧૧ દિવસનું વ્રત રાખનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશનો સંકલ્પ આજે સાકાર થતાં અતિસુશોભિત રામલલ્લાના દિવ્ય અને સૌમ્ય શ્યામ વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા સુખરૂપ સંપન્ન થતા સમગ્ર દેશ અને દુનિયાએ અવધ મે આનંદ ભયો સાથે રાષ્ટ્રગીત નાના ભવ્ય દિવ્ય અને સેવ્ય મંદિરના વધામણા કર્યા હતા. મંદિરનાં ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિનાં અનાવરણ અને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ દેશમાં જાણે સ્વયંભૂ મહાદિપાવલી પર્વ શરૂ થયો હોય અને ભાવવિભોર દેશવાસીઓએ ગામેગામ દુનિયાભરમાં રામોત્સવના ભવ્ય ઉત્સવની ઉજવણી કરી હતી, જેમાં ખેરગામ તાલુકાએ પણ ૧૩૨ વર્ષ પુરાણા રજવાડી રામજી મંદિર સંકુલમાં હજારોની સંખ્યામાં રામ ભક્તોની હાજરીમાં વડાપ્રધાનના -રામ રામ- શબ્દથી શરૂ થયેલા સંભાષણ સાથે પ્રતિભાવમાં જય શ્રી રામ ના ગગનભેદી નારાઓ લગાવી સમગ્ર ખેરગામને રામમય બનાવ્યું હતું.

ગુલાબી ઠંડીની વહેલી સવારે મંદિરના ગર્ભગ્રૃહમાં સોળષોપચાર પૂજા વિધિ શરૂ કરી સાડા સાત વાગ્યે પટાંગણમાં પાંચ કુંડી શ્રી રામ યજ્ઞનો નવથી વધુ દંપતિઓ-પ્રમુખ દંપતિ ધર્મિષ્ઠા અને ધર્મેશ ભરુચા, ઉર્મિશ કિરણ ગજજર દ્વારા શુભારંભ, ખેરગામ મંદિરના ભૂદેવ કશ્યપ જાની, હર્ષ જાની હરીશભાઈ, મંદિરના પુજારી પુરુષોત્તમદાસ દ્વારા થયો હતો. જેને શ્રીફળની આહુતિ આરતી સાથે વિરામ અપાયો હતો.પછી તાલુકાની જનતાનો માનવ મહેરામણ પ્રભુ શ્રીરામના દર્શન માટે ઉમટવા માંડ્યો હતો. જેમાં જ્ઞાનધામ વિદ્યાલયના ભગવારંગી બાળકોએ રામ પરિવાર વેશભૂષામાં સજ્જ સંકુલમાં તથા ગામમાં પ્રભાતફેરી ફરી તુરવાદ્ય સાથે આકર્ષણ જમાવ્યું હતું.
ભવ્ય પંડાલમાં જીતુભાઈ મં. પટેલ-વાવ, કિરીટભાઈ શા.ફ., ઠાકોરભાઈ, હીનાબેન, બ્રિજેશભાઈ વિ. સુંદર ભજનિકો દ્વારા રામ ભજનોની પ્રસ્તુતિ કરાઇ હતી. 11 વાગ્યાથી ગિરનાર ચેનલ દ્વારા જાયન્ટ સ્ક્રીન પર જીવંત પ્રસારણ જોઈ ૧૨-૦૫થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનથી લઈને ગર્ભગૃહની સંપૂર્ણ ધાર્મિક વિધિ નિહાળી ફટાકડા ફોડી વધાવી હતી. વડાપ્રધાનશ્રી ના 35 મિનિટના દિવ્ય સમગ્ર વિશ્વનું ધ્યાન દોરતા સંભાષણને તાળીઓના ગડગડાટ- જય શ્રી રામના નારાઓથી વધાવ્યુ હતું. બાદમાં સાતેક હજારથી વધુ દરેક ધર્મી-રામભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. ધારાસભ્ય નરેશભાઈ પટેલ પધારતા મંદિરના પૂજારીએ સ્વાગત કર્યું હતું. ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામના દર્શન કરી પંડાલની મુલાકાત લઈ શોભાયાત્રામાં ઉમટેલા માનવ મહેરામણની શાબાશી આપતી વાત કરી ઉપસ્થિતોને સંબોધી તમામ સહકારની ખાતરી આપી ભવ્ય સુંદર પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણીનુ આયોજન કરનારા ધર્મેશ ભરૂચા-પ્રમુખ શ્રી ખેરગામ સનાતન રામોત્સવ મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ, રામજી મંદિર ટ્રસ્ટ, બજરંગદળ સહિત સૌ આગેવાનોને અભિનંદન આપ્યા હતા અને પોતાના તરફથી યોગદાન પણ કર્યું હતું.
બે દિવસમાં પીએસઆઇ પઢેરીયા તેમના જમાદાર- પોલીસ કર્મીઓએ ખડે પગે સેવા બજાવી શોભાયાત્રાથી લઇ મંદિરમાં ઉજવણીનો કાર્યક્રમ શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થયો ત્યાં સુધી ટ્રાફિક જાળવણીથી લઈને સતત દેખરેખ રાખી સલામતી પૂરી પાડતા તેઓનો પણ આભાર વ્યક્ત કરાયો હતો.
શ્રી ખેરગામ સનાતન રામોત્સવ મંડળને મદદ કરનારા જીતુ પટેલ- પત્રકાર- વિહિપ પ્રખંડ પ્રમુખ, નરેશ પટેલ-બજરંગ દળ સંયોજક, માજી સરપંચ કાર્તિક પટેલ- પ્રશાંત પટેલ માજી જી.પં સભ્ય-ઉપ.પ્રમુખ, વિનોદકુમાર મિસ્ત્રી મંત્રી, તર્પણબેન વણકર, રામજી મંદિરના પ્રકાશ ગજ્જર અને પ્રકાશ પરમાર, અલ્પેશ મિસ્ત્રી, રામજી મંદિર મહિલા મંડળ-યુવા મંડળ, રિગ્નેશ પારેખ, નયન પરમાર, મેહુલ જીવણભાઈ-એપીએમસી, સતીશ પટેલ, નિકુંજ કંસારા રામોત્સવ માટે યોગ-શ્રમદાન કરનારા સૌનો પ્રમુખ ધર્મેશ ભરૂચાએ આભાર માન્યો હતો.

ભગવાન રામની શોભાયાત્રામાં રીલ્સ- ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઇ

ખેરગામમાં 21 મીએ સંધ્યા ટાણે શોભાયાત્રામાં ફોટોગ્રાફી અને રિલ્સ કોમ્પિટિશન પણ યોજાઇ હતી. ખૂબ જ ટૂંકા ગાળામાં કરાયેલા આયોજનમાં સ્પર્ધામાં કુલ 7 એન્ટ્રી આવી હતી. જેમાં નિર્ણાયક તરીકે પત્રકાર હર્ષદ આહીરે સેવા આપી હતી. 22મી એ સાંજે રામજી મંદિરના પટાંગણમાં આગેવાનોની હાજરીમાં વિજેતાઓને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા. આ સ્પર્ધામાં રિલ્સમાં પ્રથમ ક્રમે મેહુલ પટેલ, બીજા ક્રમે હિમાંશુ લાડ અને ત્રીજા ક્રમે પરિમલ પટેલ વિજેતા બન્યા હતા. જ્યારે ફોટોગ્રાફીમાં પ્રથમ ક્રમે પરિમલ પટેલ વિજેતા બન્યા હતા. જેમને રામોત્સવ મંડળ તથા રિધ્ધિ ઑટોમાલિક સતીશ પટેલ દ્વારા ઇનામો અપાયા હતા. શોભાયાત્રાની ખુબ સુંદર બનાવનારા કલાકારોને તમામ લોકોએ ખૂબ અભિનંદન આપ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!