ગુજરાત એલર્ટ । વલસાડ
આપણી ભારતીય મૂળ સનાતન સંસ્કૃતિ ઉજાગર થાય તેવા શુભાશયથી માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક શ્રી મહાપાત્રની પ્રેરણાથી દર વર્ષે ચૈત્રી નવરાત્રી દરમ્યાન નવ દિવસ મહાયજ્ઞ તથા વૈદિક પરંપરા અનુસાર સાંસ્કૃતિક રાસગરબાનું આયોજન કરવામાં આવે છે.
જે અનુસંધાને આજ રોજ ધામ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કિરીટભાઈ ડેડાણીયાએ જણાવ્યું હતું કે આગામી ચૈત્રી નવરાત્રી તા. ૦૯-૦૪-૨૦૨૪થી તા. ૧૭-૦૪-૨૦૨૪ સુધી નવદિવસ દરમ્યાન આ પવિત્ર ધામમાં દરરોજ સવારના ૭.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી શ્રીયાગ યજ્ઞ તેમજ રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી વૈદિક પરંપરા અનુસાર રાશ ગરબાનો ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ઊજવાઈ રહ્યો છે. અલૌકિક એવા આ સાંસ્કૃતિક રાસ ગરબામાં જાણે કુળદેવીઓ સાક્ષાત ગરબે રમતા હોય તેવી અનુભૂતિ થાય છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા તથા નિહાળવા માટે માત્ર ગુજરાતમાંથી નહીં, પણ સમગ્ર ભારતવર્ષ અને વિદેશમાંથી અસંખ્ય માઈભક્તોએ આવે છે અને ધન્યતા અનુભવે છે. શ્રીયાગ યજ્ઞ તથા સાંસ્કૃતિક રાસ ગરબાનું અનેક ટી.વી. ચેનલો તથા YouTube પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને જેથી સમગ્ર વિશ્વમાં શ્રધ્ધાળુઓને આ કાર્યક્રમ નિહાળવાનો લાભ મળશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે શ્રી મહાપાત્રએ પરાશક્તિ પાસેથી દિવ્ય સંદેશ “અંધશ્રધ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો”, વૈદિક વિચારધારા, ઓરિજિનલ ભક્તિ, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ વગેરે જે કંઈ મળ્યું તે બધું માત્ર પોતાના પુરતું સીમિત ના રાખતા વિશ્વભરના પ્રત્યેક માનવી સુધી પહોંચે, વિશ્વ આખામાં પરિવર્તન થાય તેમજ વિશ્વશાંતિની સ્થાપના થાય તેવા શુભ આશયથી અલૌકિક, અદભુત અને દિવ્ય એવા આ ધામનું નિર્માણ કરીને નવયુગ નિર્માણ કરવા માટે વૈચારિક ક્રાંતિનું મંડાણ કર્યું છે. શ્રી મહાપાત્રના આદર્શ જીવનમાંથી પ્રેરણાથી આજે સમગ્ર વિશ્વમાં અસંખ્ય લોકોએ અંધશ્રધ્ધા છોડીને પોતાના ઘરને મંદિર બનાવ્યા છે. જેના કારણે અસંખ્ય લોકો સત્ય ધર્મ અને કર્મના માર્ગે ચાલવા લાગ્યા છે અને તેમનામાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. આવા ઘરમંદિર બનેલા ઘરોમાંથી આધિ-વ્યાધિ-ઉપાધિથી દુર થઇ છે અને લોકોને પોતાના ઘરમાં મનની ખરા અર્થની શાંતિ અને સ્વર્ગની અનુભૂતિ થવા લાગી છે.
શ્રી મહાપાત્ર કહે છે કે આ યુગમાં જે ભાગ્ય વિધાતાએ મનુષ્યને આટલો સુંદર માનવદેહ મળ્યો છે તે માં વિશ્વંભરી ખુદ આ પૃથ્વીલોક પર પધાર્યા છે તો મનુષ્ય પોતાનું શેષ જીવન અવશેષ બની જાય તે પહેલા માંની વૈદિક વિચારધારા આધીન આદર્શ જીવન જીવીને વિશેષ બનાવે. દરેક મનુષ્ય ખરા અર્થમાં માનવ બને અને પોતાની ફરજ નૈતિકતા અને પ્રમાણિકતાથી નિભાવે, વૈદિક સદગુણોનું આચરણ કરીને પોતાના જીવાત્માનો ઉદ્ધાર કરે અન્યથા જન્મ-મરણના ફેરા ક્યારેય ખૂટવાના નથી.
આ ધામ ખાતે પ્રાકૃતિક ખેતી વડે મગફળી કરવામાં આવી રહી છે. સાથે બાળકોને વૈદિક પ્રાકૃતિક જ્ઞાન મળે તે માટે સ્કૂલ અને ભવિષ્યમાં પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર મળી રહે તે માટે આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.