વલસાડમાં વાપી ખાતે જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી, નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરી સલામી આપી

ગુજરાત એલર્ટ | વલસાડ
‘‘તા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં ભારતીય બંધારણને માન્યતા મળતાંની સાથે જ વિશ્વની સૌથી મોટી લોકશાહી અસ્તિત્વમાં આવી. દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની તક અને હક મળ્યા છે.

આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે. બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે. તેની પ્રસ્તાવના – “આપણે, ભારતના લોકો” શબ્દથી શરૂ થાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પ્રાણ છે. આપણુ બંધારણ એ લોકશાહીનો મજબૂત પાયો છે. લોકશાહીના સંસ્કાર ભાવિ પેઢીમાં વધુ સુદઢ્ બને એવી શુભેચ્છા પાઠવુ છું.’’ એવુ ૭૬માં પ્રજાસત્તાક દિનની વલસાડ જિલ્લામાં વાપીના બલીઠા ખાતે શ્રી કે.એચ.દેસાઈ, પુરૂષ અધ્યાપન મંદિર કોલેજના પટાંગણમાં જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરી જણાવ્યું હતું.

દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાષ્ટ્ર-નિર્માણમાં ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વવંદનીય મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ અને અહિંસાના શસ્ત્ર વડે બ્રિટિશ સલ્તનતને ઝુકાવી, સમગ્ર વિશ્વને પ્રેરણા પુરી પાડી. જ્યારે સરદાર પટેલે મુત્સદ્દીગીરીથી અખંડ ભારતના નિર્માણનો માર્ગ મોકળો કર્યો. આઝાદીના જંગમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ અને બટુકેશ્વર દત્ત જેવા અનેક ક્રાંતિકારીઓએ પ્રાણની આહુતિ આપીને આપણને આ મહામૂલી આઝાદીની ભેટ ધરી હતી. સશસ્ત્ર સંગ્રામ દ્વારા ભારત- મુક્તિના પ્રયત્નો કરનારાઓમાં ગુજરાતી ક્રાંતિકારીઓના “આદ્ય’ કહી શકાય એવા ત્રણ નામ એટલે પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઇજી કામા. આ મહાપુરુષોની શૌર્ય –ગાથા આપણા રાષ્ટ્ર સર્વોપરીના સંસ્કારને વધુ મજબુત બનાવવાની પ્રેરણા આપે છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતનાં એક સંકલ્પ સાથે આપણા ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાતે વિકસિત ભારત @ ૨૦૪૭ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલા લીધા છે. સુદ્રઢ જળવ્યવસ્થાપન, પૂરતી વિજળી અને સક્ષમ ખેડૂત એ આપણી અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. ભાવિ પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીને વ્યાપક બનાવવી એ આપણી ફરજ છે. આપણા ગુજરાતે આ લક્ષ્યને પાર પાડવા જ સાડા નવ લાખથી વધુ ખેડૂતોને સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી સાથે સાંકળ્યા છે.

આપણો કિસાન રાત્રે આરામ કરી શકે તે માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના ૧૬,૬૮૩ એટલે કે ૯૭% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી પ્રદાન કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જગતના તાતની ચિંતા કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા ૫૬.૬૧ લાખ ખેડૂતોના ખાતામાં ₹૬,૩૭૪ કરોડની રકમ સીધી જમા કરાવી છે.

વિશ્વની સૌથી મોટી વિમા યોજના તરીકે આયુષ્માન ભારત કાર્ડનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકોને આરોગ્યની શ્રેષ્ઠત્તમ સેવાઓ મળી રહે તે માટે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ૮,૩૬,૨૯૦ PMJAY આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી દ્વારા ૭૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનોની ચિંતા કરી આયુષયમાન વય વંદના યોજના હેઠળ વલસાડ જિલ્લામાં ૨૪૯૫૯ વ્યક્તિઓ સામે ૧૮૧૯૪ વ્યક્તિઓને વય વંદના કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રની આ ઉત્તમ કામગીરીને બિરદાવું છું.

રિન્યૂએબલ એનર્જીના ક્ષેત્રમાં પણ ગુજરાત અવ્વલ રહ્યું હોવાનું મંત્રીશ્રીએ જણાવી વધુમાં કહ્યું કે, ગુજરાત રિન્યૂએબલ એનર્જીમાં પવન ઉર્જા, સૌર ઉર્જા, જળશક્તિ આધારિત ઉર્જા અને જૈવ ઉર્જા એમ કુલ મળીને ૩૦ ગીગાવોટથી વધુની ક્ષમતા હાંસલ કરી સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના હેઠળ અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં ૩૭૬૭ ઘરવપરાશના વીજ ગ્રાહકોએ તેમના મકાનની છત ઉપર ૧૪.૫૮ મેગાવોટથી વધુ ક્ષમતાની સોલર પેનલ લગાવી વીજ બીલમાં બચત કરી સૌર ઊર્જા વેચીને આવક મેળવી રહ્યા છે. રીવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ વલસાડ જિલ્લા માટે કુલ રૂ. ૩૨૪.૪૭ કરોડ ફાળવવામાં આવેલ છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં વીજ માળખાના આધુનિકીકરણ અને સુદ્રઢિકરણ માટે ની વિવિધ કામગરી કરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા એક વર્ષમાં ૧૦૪.૭૬ કરોડના ખર્ચે ૫૦૩ કિમી ઓવર હેડ વીજલાઈનને અંદર ગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરણની કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વાપીને મહાનગરપાલિકાનું નજરાણું આપ્યું હોવાનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે, તા. ૦૧-૦૧-૨૦૨૫થી વાપી પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વાપીનો વિકાસ તેજગતિએ થશે. ખાસ કરીને જે ૧૧ ગામોનો સમાવેશ કરાયો છે તે ગામડાના વિકાસને સૌ પ્રથમ રોડ, રસ્તા, ડ્રેનેજ, વોટર સપ્લાય અને સ્ટ્રીટ લાઇટના કામોને પ્રાધાન્ય અપાશે. વાપી આમ, પણ ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાતી હોવાથી મહાનગરપાલિકા બનવાથી વધુ સારી સુવિધાઓ મળશે જેથી વાપી વિશ્વના નકશામાં ઝળહળતુ થશે. નામધા પાસે વીયર બનાવવાનું કામ રૂ. ૧૦૨ કરોડના ખર્ચે મંજૂર થયું છે. વાપીમાં જિલ્લા કક્ષાનું ડિઝાસ્ટર સેન્ટર બનશે. જે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ હશે. પારડીના ઉમરસાડીમાં ફ્લોટિંગ જેટી અને સરકારી સાયન્સ કોલેજનો લાભ મળશે. વલસાડ જિલ્લામાં નાની દાંતી – મોટી દાંતી દરિયાઇ ધોવાણ અટકાવવા માટેનું કામ રૂ. ૩૮૫૩.૩૭ લાખના ખર્ચે ૧૪૯૦ મી. લંબાઈમાં હાથ ધરવામાં આવનાર છે. ઔરંગા નદી પર ઓરંગા ટાઈડલ રેગ્યુલેટરની મંજૂરી મળી છે.

પ્રવાસન ક્ષેત્રના વિકાસને વર્ણવતા મંત્રીશ્રીએ જણાવ્યુ કે, કચ્છના ધોરડોને યુનાઇટેડ નેશન્સ દ્વારા બેસ્ટ ટૂરિઝમ વિલેજ’ જાહેર કરવામાં આવ્યું છે. ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના ગોઝારા ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોની યાદમાં સાકાર કરવામાં આવેલા સ્મૃતિવનને યુનેસ્કો દ્વારા વિશ્વના ૭ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સમાવવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં ભારતને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાનના સંકલ્પને સાકાર કરતી ‘ ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨-૨૦૨૭’ જાહેર કરવામાં આવી. પરિણામ સ્વરૂપે વિશ્વ-પ્રસિદ્ધ માઈક્રોન ટેકનોલોજી જેવી કંપની સેમિકંડક્ટર ઉદ્યોગમાં ભારતમાં રોકાણ કરવામાં એન્કરની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત કેયન્સ સેમિકોન પ્રાઈવેટ લિમિટેડે રૂ.૩૩૦૦ કરોડના સૂચિત રોકાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

એક પેડ માં કે નામ’ અભિયાનના આહ્વાનને વ્યાપક પ્રતિસાદ આપતા અત્યાર સુધીમાં ૧૩ કરોડ ૯૫ લાખ વૃક્ષો વાવીને આ અભિયાનમાં ગુજરાતે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રમત ગમત ક્ષેત્રનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નવેરા ખાતે રૂ. ૧૭ કરોડ ૭૬ લાખમાં અને તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કલગામ ખાતે રૂ. ૪ કરોડ ૯૯ લાખના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે. જેના થકી વલસાડ જિલ્લાના યુવા ખેલાડીઓની પ્રતિભા વધુ નિખરશે.
મંત્રીશ્રી દ્વારા પોલીસ પરેડનું નિરીક્ષણ કરાયું હતું. વલસાડ જિલ્લા પોલીસના પુરુષ પ્લાટુન, મહિલા પ્લાટુન, હોમગાર્ડ મહિલા અને પુરુષ સહિત ૭ પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. જેમાં ડુંગરી પોલીસ સ્ટેશનની પુરૂષ પ્લાટુન પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. સરકારની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ૯ આકર્ષક ટેબલો વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયા હતા. જેમાં સંકલિત બાળ વિકાસ યોજના (આઇસીડીએસ)નો ટેબલો પ્રથમ ક્રમે વિજેતા થયો હતો. જિલ્લાની કુલ ૭ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરાઈ હતી જેમાંથી શ્રી સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી- વાપી પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. વહીવટી વિભાગ, પોલીસ વિભાગ, તેજસ્વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, વિશેષ વ્યક્તિ અને ૧૦૮ ઈમરજન્સી સેવા સહિત વિવિધ વિભાગના કુલ ૧૯ અધિકારી- કર્મચારી તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શૌર્ય પર્વને ઉજવવા તિરંગા બલૂન વિદ્યાર્થીઓના હસ્તે ઉડાડવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસના કામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક કલેકટરશ્રીને અર્પણ કરાયો હતો. મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવો દ્વારા કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
આ ઉજવણી પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, વાપી મહાનગર પાલિકાના કમિશનર યોગેશ ચૌધરી, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસૂયા જ્હા, પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, માજી સાંસદ ડો.કે.સી.પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેગવીની સર્વોદય હાઈસ્કૂલના આર્ચાયાશ્રી ઉન્નતિબેન દેસાઈએ કર્યુ હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!