ગુજરાત એલર્ટ । વલસાડ
રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તેવા શુભ આશય સાથે વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ધરમપુરના વાલોડ ફળિયા ખાતે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના ગ્રામ્ય કાર્યકર્તાઓ સાથે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં કાર્યરત DHEW (ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન)ના જિલ્લા મિશન કો-ઓર્ડીનેટર જિજ્ઞેશ પટેલ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત – વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના, સખી વન સ્ટોપ સેન્ટર સહિત વિવિધ મહિલાલક્ષી યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યકર્તાઓ સાથે ફિલ્ડની કામગીરી વિશે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા નિલમભાઈ પટેલે ઉપસ્થિત લોકોને શિક્ષણ અને આરોગ્ય સહિત સરકારની લોક ઉપયોગી યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. DHEW ના કર્મચારીઓ અને કપરાડા – ધરમપુર તાલુકાના વિવિધ ગામના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.