ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્ર સરકાર દ્વારા તા. ૨ જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જંયતિ નિમિત્તે શ્રધ્ધાંજલી આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવા આહવાન કરાયુ હતું. જેના ભાગરૂપે સરકારી કચેરીઓમાં પણ રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી તુમાર નિકાલ અને રેકર્ડ વર્ગીકરણની સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.
કચેરીઓમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ, રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી તેમજ દરેક કચેરીઓમાં રેકર્ડ રૂમની સાફ-સફાઈ, જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ નિભાવણી, ડેડસ્ટોકનો નિકાલ અને કંડમ વાહનોનો નિકાલ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ કામગીરી કરવામાં આવી હતી. તા. ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસે કચેરીઓએ કરેલી ઉપરોક્ત કામગીરીને બિરદાવવા માટે જિલ્લા કક્ષાએ સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટરશ્રી, સભ્ય તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને કાર્યપાલક ઈજનેર (મા.મ, સ્ટેટ) અને સભ્ય સચિવ તરીકે નિવાસી અધિક કલેટર હતા. જેમના દ્વારા કચેરીનું તુમાર નિકાલ માટે ૨૦ ટકા, કચેરીના રેકર્ડ વર્ગીકરણ માટે ૩૦ ટકા અને કચેરીનો ભંગાર, ઈ-વેસ્ટ તેમજ બિનવપરાશી વસ્તુઓનો નિકાલ અને કચેરી-સંકુલની સ્વચ્છતા/સાફ સફાઈ માટે ૫૦ ટકા ગુણભાર નક્કી કરી કચેરીઓની કામગીરીનું મૂલ્યાંકન નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં બેસ્ટ કેટેગરી સર્ટિફીકેટમાં પ્રથમ ક્રમે આસિસ્ટન્ટ કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન,વલસાડ અને બીજા ક્રમે જિલ્લા પંચાયત વલસાડ, ઈમર્જિંગ કેટેગરી સર્ટિફીકેટમાં મામલતદાર કચેરી, ધરમપુર અને બીજા ક્રમે ભીલાડ પોલીસ સ્ટેશન, જ્યારે એસપ્રાઈરીંગ કેટેગરી સર્ટિફેકેટમાં પ્રથમ ક્રમે વલસાડ ગ્રામ્ય મામલતદાર કચેરી અને બીજા ક્રમે ધરમપુર પોલીસ સ્ટેશન પસંદગી થતા આજરોજ તા. ૨૬ ડિસેમ્બરના રોજ કલેકટર કચેરી ખાતે વિજેતા કચેરીને સર્ટિફીકેટ આપી સ્નમાનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની અને જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલાએ તમામ વિજેતા કચેરીના વડાઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.