ગુજરાત એલર્ટ । વલસાડ
યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકે જાહેરાતની ઉજવણી પ્રસંગે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતાં. બૉત્સ્વાના ખાતે યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું અભિન્ન અંગ એવા ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકેની જાહેરાતનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવવંતી ક્ષણને સૌ એ નિહાળી ગુજરાતી હોવાનો ગર્વ અનુભવ્યો હતો. સાથે જ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત સ્થાનિક મહિલાઓએ પણ ગરબે ધુમી કાર્યક્રમને માણ્યો હતો.
આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતનો ગરબો પૌરાણિક છે. જેને હેરીટેજમાં સ્થાન મળતા દરેક હિન્દુ માટે ગર્વની વાત છે. ગરબાની સામે અનેક ડાન્સ અને હીપહોપ આવ્યા પણ આપણા સાંસ્કૃતિ વારસા સમાન પ્રાચીન ગરબા આજે પણ જીવંત છે. આપણી નવી પેઢીને પણ આપણા વારસા અંગે, આપણી સંસ્કૃતિ અંગે ગૌરવ હોવુ જોઈએ. ગરબા હવે માત્ર ગુજરાત અને ભારત પૂરતા જ સીમિત નથી રહ્યા પરંતુ આપણા વડાપ્રધાનશ્રીના અથાગ પ્રયાસથી ગરબા સમગ્ર વિશ્વ ફલક પર ગુજરાતની સંસ્કૃતિ તરીકે ઉજાગર થયા છે.
આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું કે, ગુજરાતની સંસ્કૃતિમાં ગરબાનું સ્થાન અનન્ય મહત્વ ધરાવે છે. વડાપ્રધાનશ્રી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારેથી તેમણે રમત ગમત અને સાંસ્કૃતિક કલા વારસાને મહત્વ આપી તેનુ જતન કર્યુ છે. જેના થકી યુવાઓમા સંસ્કૃતિ ખીલી રહી છે. યુનેસ્કો દ્વારા ગરબાને અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે સન્માન અપાતા વિશ્વના ખૂણેખૂણે વસતા ગુજરાતીઓ માટે આજે ગૌરવનો દિવસ છે. હવે ગુજરાતનો ગરબો વિશ્વમાં પહોંચશે અને દુનિયાભરમાં હવે ગુજરાતીઓ અને ગુજરાતના ગરબા જાણીતા બનશે. ભારતીય સંસ્કૃતિનું જતન કરવુ અને તેની જાળવણી કરવી એ આપણા સૌની ફરજ છે.
આ પ્રસંગે પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કપરાડાના ઈ.એમ.આર.એસ. હાઈસ્કૂલ દ્વારા પ્રાચીન ગરબો અને અર્વાચીન ગરબો, આરતી પાંડે અને તેમની ટીમ દ્વારા દેશભક્તિ અને મરાઠી નૃત્ય, બામટીની આદર્શ નિવાસી શાળા દ્વારા આદિવાસી નૃત્ય અને કામાક્ષી એન્ડ ગૃપ દ્વારા નટરાજ કિર્તનમ નૃત્ય રજૂ કરાયુ હતું. જેને મહાનુભાવોએ પણ મન ભરીને માણ્યુ હતું. આ પ્રસંગે પ્રાંત યુવા વિકાસ અધિકારી દિનેશ નાંદોડા, અને વલસાડ સિટી મામલતદાર કલ્પના ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તારેશ સોનીએ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ની યાદીમાં દેશના ઉત્સવો, મેળાઓ,પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ ૧૫ સાંસ્કૃતિ વિરાસતનો સમાવેશ થયો છે.