સાણંદના રાજવી જયશિવસિંહ વાઘેલાના અંતિમ સંસ્કાર કરાયા: પુત્ર ધ્રુવરાજસિંહનું રાજતિલક કરાયું : મહારાજા જયશિવસિંહ વાઘેલાના અંતિમ સંસ્કાર સાણંદ ખાતેના રાજવી પરિવારના સ્મશાનમાં કરવામાં આવ્યા

અમદાવાદ : સાણંદના રાજવી જયશિવસિંહ વાઘેલાનું ગઈકાલે મોડી સાંજે હાર્ટ એટેકથી નિધન થયું છે. મહારાજા જયશિવસિંહ વાઘેલાના અંતિમ સંસ્કાર આજે સાણંદ ખાતેના રાજવી પરિવારના સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. મહારાજા જયશિવ સિંહની અંતિમયાત્રા પહેલા સાણંદ સ્ટેટના કુંવર જયશિવસિંહના પુત્ર ધ્રુવરાજસિંહનું રાજતિલક કરવામાં આવ્યું હતું. દરબારગઢમાં સાણંદના રાજવી પરિવારના આરાધ્ય દેવી મહાકાળી માતાજીના સાનિધ્યમાં પરિવારના લોકો દ્વારા પરંપરાગત અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાજતિલકની વિધિ કરવામાં આવી હતી.રાજતિલકની વિધિ બાદ મહારાજા જયરાજસિંહના નશ્વર દેહને અંતિમ દર્શન માટે દરબારગઢના પ્રાંગણમાં રાખવામાં આવ્યો હતો. અંતિમ દર્શન બાદ દરબાર ગઢથી અંતિમયાત્રા સાણંદના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રાજવી પરિવારના સ્મશાને પહોંચી હતી. જ્યાં અનેક રજવાડાના રાજવી પરિવારના સદસ્યો જોડાયા હતા. ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાણંદના ધારાસભ્ય કનું પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહ પરમાર અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. નેક નામદાર ઠાકોર સાહેબ જયશિવ સિંહના અવસાનના શોકમાં સાણંદની તમામ બજારો બંધ રહી હતી. સાણંદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો સ્વ. જયશિવ સિંહની અંતિમ યાત્રામાં જોડાયા હતા.મહારાજા જયશિવ સિંહનું બાળપણ માઉન્ટ આબુમાં વિત્યું હતું. તેમનો પ્રાથમિક સુધીનો અભ્યાસ માઉન્ટ આબુમાં જ થયો હતો. માઉન્ટ આબુથી કિશોર અવસ્થામાં તેઓ રાજકોટ ગયા હતા. કોલેજનો અભ્યાસ અજમેરની મેયો કોલેજમાં કર્યો હતો. તેઓ શોર્ટ ગન શૂટિંગમાં નેશનલ ચેમ્પિયન ઈન જુનિયર રહી ચૂક્યા છે. તો જુનિયર શોર્ટ ગન શૂટિંગમાં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!