ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે મધ્દેશિયા વૈશ્ય સેવા સમાજ સંઘના નવા ભવનનું ભૂમિપૂજન સમારોહ રંગેચંગે યોજાયો હતો.
આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, જે રીતે પારસીઓ દૂધમાં સાકરની જેમ ભારતમાં ભળી ગયા હતા તેમ છેલ્લા ૫૫ વર્ષથી ઉત્તર ભારતીય સમાજ પણ વલસાડ જિલ્લામાં ભળી ગયો છે. દરેક ક્ષેત્ર પછી તે ખેતીવાડી હોય કે ઈન્ડ્રસ્ટીયલ એસ્ટેટ હોય દરેકમાં ઉત્તર ભારતીય સમાજ ખભેખભા મિલાવીને વિકાસ કાર્યોમાં જોડાયો છે. તેમનું યોગદાન અભિનંદનને પાત્ર છે. વલસાડને જ તેમણે પોતાનુ વતન બનાવી દીધુ છે અને હવે અહીં ભવન પણ બની રહ્યુ છે જે ગૌરવની વાત છે.
આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું કે, આ અવસર સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાનો છે. સમાજ માટે હંમેશા ચિંતિત છીએ. વધુમાં શ્રી પાટકરે દાનનો મહિમા વર્ણવ્યો હતો.
આર્કિટેક મનિષ ભટ્ટે નવા ભવનની રૂપરેખા આપતા જણાવ્યું કે, આ ભવન ગ્રાઉન્ડ પ્લસ બે માળનું બનશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ડાઇનિંગ હોલ, પ્રથમ માળે ૪૦૦ માણસોની ક્ષમતા ધરાવતો એસી મેરેજ હોલ અને બીજા માળે મહેમાનોના રહેવા માટે ૧૪ એસી રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી બે વર્ષમાં આ ભવન સાકાર થશે.
આ પ્રસંગે જમીન દાનમાં આપનાર દાતાઓ અને ભવનના બાંધકામ માટે દાન આપનાર દાતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના હસ્તે ભવનના નિર્માણનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો દ્વારા ૨૨ કિલો ફૂલોના હાર વડે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનું ભવ્ય સ્વાગત ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉમરગામ પાલિકા પ્રમુખ મનિષ રાય, યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાકેશ રાય, મધ્ધેશિયા વૈશ્ય સેવા સમાજ સંઘના પ્રમુખ પ્રવિણ ગુપ્તા, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, ઉમરગામ તાલુકા સંગઠનના અગ્રણી કનુભાઈ સોનપાલ, પિંકુ યાદવ તેમજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.