અમદાવાદ: ગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો માટે સારા સમાચાર આવ્યા છે. લોકડાઉન બાદ હવે ધીમે ધીમે નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવેથી ગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.આજે ગુજરાતમાં સીએમ રૂપાણીના વડપણ હેઠળ કેબિનેટ બેઠક મળી હતી જેમાં અગત્યની ચર્ચાઓ થઈ હતી. હવે કોરોનાના કેસ ગુજરાતમાં નિયંત્રણમાં આવી ગયા હોવાથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.અગાઉ લોકડાઉન દરમિયાન આ તમામ વ્યવસાયોને મોટો ફટકો પડ્યો હતો. પણ હવે પ્રથમ વખત છૂટ મળતા તમામ પ્રકારના કાર્યક્રમો શરૂ થાય તેવી વ્યવસ્થા થઈ ગઈ છે.નોંધનીય છે કે કોરોના વાયરસની બીજી લહેર વખતે રાજયમાં વિવિધ પ્રકારનાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. જોકે કોરોના વાયરસનાં કેસ ઓગસ્ટ મહિનાથી જ ધીમે ધીમે કંટ્રોલમાં આવી જતાં કોરોના વાયરસનાં પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા. રાજયમાં હાલમાં રાત્રિનાં ૧૧ વાગ્યાથી નાઈટ કર્ફ્યૂ જેવા નિયમો લાગુ છે.
નોંધનીય છે કે સૂત્રો અનુસાર આજની કેબિનેટ બેઠકમાં અંબાજીમાં યોજાતા જગપ્રખ્યાત ભાદરવી પૂનમનાં મેળાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાશે નહીં, જોકે મંદિર માઈભકતો માટે ખુલ્લુ રાખવામાં આવશે. પૂનમના મેળામાં લાખો લોકો ભેગા થતાં હોય છે ત્યારે કોરોના વાયરસ વધવાનો ભય છે ત્યારે રાજય સરકાર ટૂંક સમયમાં આ મેળાને લઈને SOP જાહેર કરી શકે છે. લોકોની આસ્થા પણ જળવાય તેનું ધ્યાન રાખવામાં આવશે.