ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડનાં પારડીસાંઢપોર ગામમાં ઉનાળામાં પાણી ન ઘટે તેવો નવતર અભિગમ ગ્રામ પંચાયતે અપનાવ્યો છે. વલસાડ જિલ્લામાં પ્રથમ વખત પારડીસાંઢપોર ગ્રામ પંચાયતે ગામમાં આવેલા 48 એપાર્ટમેન્ટોમાં વરસાદી પાણી સીધું બોરમાં ઉતરે તે માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આજરોજ વલસાડ ડીડીઓએ ૭ એપાર્ટમેન્ટમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું લોકાર્પણ કર્યું હતું.
વલસાડ શહેરને અડીને આવેલા પારડીસાંઢપોર ગામમાં અનેક એપાર્ટમેન્ટ આવેલા છે. ઉનાળા દરમિયાન પાણીનો વપરાશ વધતો હોય ઘણા એપાર્ટમેન્ટોમાં પાણીની કિલ્લત ઊભી થાય છે. જેને પરિણામે પાણીના વપરાશ માટે લોકોએ ટેન્કર મંગાવાની પણ નોબત આવે છે. આવા સમયે ગ્રામ પંચાયતે વરસાદનું પાણી આખું વર્ષ ઉપયોગમાં લેવાય તે માટે તમામ 48 એપાર્ટમેન્ટોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લીધો છે. જે પૈકી 7 એપાર્ટમેન્ટોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવી આજરોજ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાણીના હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું.
ગામના સરપંચ ધર્મેશ ભોલાભાઈ પટેલના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટનો તમામ ખર્ચ ગ્રામ પંચાયત પોતે ભોગવશે. ચોમાસા દરમિયાન એપાર્ટમેન્ટોના ટેરેસ પર જમા થતું પાણી ફિલ્ટર થઈ સીધુ બોરમાં ઉતરી જશે અને બોર રિચાર્જ થતાં દર વર્ષે ઉનાળામાં પાણીનો વિપુલ સ્ત્રોત લોકોને વાપરવા મળશે.
આજરોજ પારડીસાંઢપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલા વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ પ્રસંગે ડીડીઓએ પંચાયતની કામગીરીને બીરદાવી હતી. આ પ્રસંગે પંચાયતના તલાટી કમ મંત્રી દિવ્યેશ દોડીયા, વલસાડ નગરપાલિકાના વિપક્ષ નેતા ગીરીશભાઈ દેસાઈ સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હવે પારડીસાંઢપોરમાં લોકો પર તીસરી આંખ નજર રાખશે.
વલસાડના પારડીસાંઢપોરમાં ગ્રામ પંચાયત દ્વારા વલસાડના છીપવાડથી શેઠીયાનગર, કૈલાસરોડ સહિતના તમામ મુખ્ય રસ્તા ઉપર ૨૫ જેટલા સીસીટીવી વિડીયો કેમેરા લગાડવામાં આવ્યા છે. અંદાજિત રૂ.૫ લાખના ખર્ચે લગાડવામાં આવેલા આ કેમેરા લોકોની, વાહનોની અવરજવર પર તો નજર રાખશે જ સાથે ચીલઝડપ, ચોરી સહિતના અનેક ગુનાઓમાં ઉકેલવા માટે વલસાડ પોલીસને પણ મદદરૂપ બનશે. આ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પંચાયત ઓફિસમાં રાખવામાં આવ્યું છે. આધુનિક ટેકનોલોજી સાથેના યુગમાં ગ્રામપંચાયતે અપડેટ બનવા ફાઇબર કેબલ સંચાલિત કેમેરાથી વિઝન સરળ આવે તે મુજબના પ્રયત્નો કર્યા છે.
વધુ એક ટ્રેક્ટરનાં લોકાર્પણથી સફાઈ અભિયાનને વેગ મળશે.
પારડીસાંઢપોર ગ્રામ પંચાયતમાં સફાઈ અભિયાનને વધુ તેજ બનાવવા ગ્રામ્યકક્ષાનાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કચરો ઉપાડવા માટે ટ્રેક્ટર પ્રાપ્ત થયું છે. આ પંચાયત પાસે સેફ્ટી ટેન્ક- ખાળકુવા સફાઈ કરવા માટે 1 ટેન્કર, 2 ફોગીંગ મશીન અને કચરો ઉપાડવા માટે 1 ટ્રેક્ટર ઉપલબ્ધ છે. ત્યારે વધુ 1 ટ્રેક્ટરનો ઉમેરો થતાં સફાઈ અભિયાનને વધુ વેગ મળશે. વલસાડના ડીડીઓ મનીષ ગુરુવાણીના હસ્તે આ ટ્રેક્ટરનું પણ લોકાર્પણ કરાયું હતું.
રેલ માટે આગોતરી જાણ કરતો સાયરન લગાવાયો.
પારડીસાંઢપોર ગામ ઔરંગા નદીને અડીને આવેલું હોય અવાર-નવાર ચોમાસામાં પૂરના પાણી ધસી આવે છે. ગામવાસીઓને રેલની આગોતરી જાણ થાય તે માટે ગ્રામ પંચાયત કચેરી ઉપર સાયરન ફિટ કરવામાં આવ્યું છે. જ્યારે પણ રેલ આવવાની શક્યતા હોય ત્યારે આ સાયરન વગાડી ગામવાસીઓને આગોતરી જાણ કરવામાં આવશે. સરપંચ ભોલાભાઈ પટેલનાં જણાવ્યાં મુજબ આ સાયરન 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાઈ શકે તેટલી કેપેસિટી ધરાવે છે.