ગુજરાત એલર્ટ । વલસાડ
રામચરિત માનસ પરિવાર રામાનંદ સંપ્રદાય દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં વલસાડ જિલ્લામાં પ્રથમ વખત રામાયણના પ્રશ્નાવલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ જિલ્લાના 8000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામ રૂપે ચારધામની યાત્રા કરાવી સંસ્કારનું સિંચન કરાવાશે.
વલસાડના સર્કિટ હાઉસ ખાતે આજે સવારે 11:30 કલાકે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા ઉજ્જૈનના શ્રી કેવલ રામદાસ ત્યાગી મહારાજે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ઉજ્જૈનની સંસ્થા રામચરિત માનસ પરિવાર રામાનંદ સંપ્રદાય દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત વલસાડ જિલ્લામાં રામાયણ પ્રશ્નાવલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 8 થી 22 વર્ષની ઉમરનાં વિદ્યાર્થીઓની ઓએમઆર પદ્ધતિથી પ્રશ્નાવલી પરીક્ષા લેવામાં આવશે. તા. 18. 02. 24 ના રોજ યોજાનારી બે કલાકની આ પરીક્ષામાં ઓએમઆર શીટમાં ફક્ત ટીક માર્ક કરી જવાબ આપવાના રહેશે. આ પરીક્ષા લેવાઈ ગયા બાદ જવાબવહી ઉજ્જૈનના આશ્રમ ખાતે મોકલવામાં આવશે. 100 માર્કની આ પરીક્ષામાં 70 થી વધુ માર્ક મેળવનારા તમામ વિદ્યાર્થીઓને મે મહિનામાં ચારધામની યાત્રા કરાવવામાં આવશે. સાથે જ જે વિદ્યાર્થીઓની ઉંમર 8 થી 16 વર્ષ હશે તે વિદ્યાર્થીઓના માતા પિતાને પણ વિદ્યાર્થીઓ સાથે નિશુલ્ક યાત્રા કરાવવામાં આવશે. આ પરીક્ષા માટે કોઈપણ ચાર્જ રાખવામાં આવ્યો નથી. તેમ જ સંપૂર્ણપણે પારદર્શક પરીક્ષા લેવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં શશીભાઈ યાદવ, પ્રોફેસર બ્રિજેશભાઈ પટેલ, સુરજભાઈ પટેલ, હર્ષિલભાઈ ગાયકવાડ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન થાય તે માટે સમગ્ર ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે.