ગુજરાત એલર્ટ | વલસાડ
આ વર્ષે ધુળેટી અને મહિલા દિવસનો અનોખો સંગમ થતાં 8 મી માર્ચે વલસાડ રેસર્સ ગૃપ દ્વારા વલસાડમાં 5 કિમીની કલર રન સાથે અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં વલસાડની 100 થી વધુ મહિલાઓ સહિત કુલ 300 થી વધુ સ્વાસ્થ્ય પ્રેમીઓ જોડાયા હતા.
વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા દર વર્ષે મેરેથોન, સાયક્લોથોન સહિતના આયોજનો લોકોનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે. ગત વર્ષે મહિલા દિવસ નિમિત્તે રેસર્સ ગૃપના મહિલા સભ્યો સાડી સાથે દોડ્યા હતા. તો આ વર્ષે આ દિવસે ધૂળેટીનો તહેવાર હોય તેમના દ્વારા કલર રન રાખવામાં આવી હતી. આ કલર રન પહેલા વલસાડ સર્કિટ હાઉસ ખાતે રેસર્સ ગૃપના સભ્યો અને દોડવીરોએ એક બીજાને કલર લગાવી ધૂળેટીની ઉજવણી કરી હતી. ત્યારબાદ તેઓ વલસાડ તિથલ રોડ પર 5 કિમી દોડ પૂર્ણ કરી હતી.
આ દોડ બાદ સર્કિટ હાઉસના પ્રાંગણમાં મ્યુઝિકના તાલે ડાન્સ, ગરબા અને નાસ્તાની લિજ્જત માણી હતી. જેમાં વલસાડના સ્વાસ્થ્ય પ્રેમી શહેરીજનો ઉમંગથી ઝૂમી ઉઠ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં વલસાડ રેસર્સ ગૃપના સભ્યો નિતેષ પટેલ, પ્રિતેષ પટેલ સહિતના સભ્યોએ સક્રિય ભાગ ભજવ્યો હતો.
દોડમાં હર્ષદ આહીર, અપૂર્વ પારેખ, મુકેશ દેસાઈ, ચેતન મહેતા, નિરવ પિત્રોડા સહિતના પત્રકારો, ડો. કલ્પેશ જોષી, ડો. અજીત ટંડેલ, ડો. સંજીવ દેસાઇ, ડૉ. હેતલ શાહ સહિતના અનેક ડોક્ટરો, પ્રજ્ઞેશ પાંડે, નરેશકાકા એમઆર તથા અન્ય શહેરીજનોએ પણ આ દોડમાં ભાગ લીધો હતો. અને ધૂળેટીની ઉજવણી કરી હતી.
“સે નો ટુ પ્લાસ્ટિક” નો સંદેશો આપવામાં આવ્યો
રેસર્સ ગ્રુપ દ્વારા આ દોડ પૂર્ણ કરનારને એન્વાયરન્મેન્ટ ફ્રેન્ડલી બેગ ભેટમાં આપવામાં આવી હતી. જેના થકી “સે નો ટુ પ્લાસ્ટિક” નો સંદેશો લોકોને આપવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક નો વપરાશ નહિ કરવા ઉપર સમગ્ર દોડમાં જાગૃતિ સંદેશ પાઠવવામાં આવ્યો હતો.