ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી આરોગ્યલક્ષી સેવાઓ નાગરિકોને આપવામાં આવે છે. જેને વધુ સુદઢ બનાવવાનાં હેતુથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ પિડીલાઇટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (PIL) કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ડો.પી.કે.શુકલા સાથે પારડી તાલુકાના પરિયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે મેડિકલ સાધનો તથા સિવિલ વર્ક કામો માટે અંદાજીત કુલ રૂ. ૧૨.૬૧ લાખ (મહત્તમ મર્યાદા)ના કરાર (MOU) કર્યા છે.
કરાર મુજબ પિડીલાઇટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કંપનીના સીએસઆર ફંડમાંથી પીએચસીમાં ઉપયોગી સાધનોની ખરીદી કરી આરોગ્ય શાખાને પુરા પાડવામાં આવશે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરિયા ખાતે સિવિલ વર્ક પ્રિન્ટિંગ પણ સાથે પૂર્ણ કરી આપશે. આ કરાર મુજબ પુરા પાડવામાં આવનાર સાધનોની વિગતો જોઈએ તો રૂ. ૭૫ હજારના ખર્ચે લેબર બેડ, રૂ. ૧૫ હજારના ખર્ચે ફિટલ ડોપ્લર ટેબલ ટોપ, રૂ. ૨.૮૦ લાખના ખર્ચે જનરેટર ૫ KW, રૂ. ૬૦ હજારના ખર્ચે ઈ.સી.જી. મશીન, રૂ. ૨૩ હજારના ખર્ચે ફ્યુમીગેશન મશીન, રૂ. ૧૭ હજારના ખર્ચે બાયોમેડીકલ વેસ્ટ ટ્રોલી, રૂ. ૧૫ હજારના ખર્ચે બાયોમેડીકલ વેસ્ટ મોપ, રૂ. ૨૪ હજારના ખર્ચે ક્રેશ કાર્ટ ટ્રોલી, રૂ. ૧૬ હજારના ખર્ચે ઈન્સટ્રુમેન્ટ ટ્રોલી, રૂ. ૧૫ હજારના ખર્ચે જેનીટર કાર્ટ, રૂ. ૫૮ હજારના ખર્ચે ઓપરેશન થીયેટર લાઈટ, રૂ. ૪૫૦૦ના ખર્ચે ઈ.એન.ટી. હેડ લાઈટ, રૂ. ૧૫ હજારના ખર્ચે ઓટોસ્કોપ અને રૂ. ૬,૪૪,૦૫૮ના ખર્ચે સિવિલ વર્ક પ્રિન્ટિંગ સાથે કરવામાં આવશે. આમ કુલ રૂ. ૧૨,૬૧,૫૫૮ ના ખર્ચે સાધનોની ખરીદી અને સિવિલ કામ કરવામાં આવશે.