ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઈનીઝ દોરી અને તુકકલના વેચાણ ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધને પગલે આજરોજ વલસાડનાં શહેરનાં ઇન્ચાર્જ મામલતદાર પી.કે. મોહનાની દ્વારા દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.
વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વલસાડ જિલ્લામાં ચાઈનીઝ દોરી અને જોખમકારક તુક્કલના વેચાણ પર પ્રતિબંધ કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ પણ તુક્કલ બજારમાં વેચાતાં હોવાની આશંકા અને જાહેરનામાનો ચુસ્ત અમલ થાય તે માટે વલસાડ શહેરના ઇન્ચાર્જ મામલતદાર પી. કે. મોહનાની દ્વારા આજરોજ તેમની ટીમ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે વલસાડ શહેરના પતંગબજાર, શાકભાજી માર્કેટ વિસ્તાર અને ધોબીતળાવમાં ચેકિંગ કર્યું હતું. પરંતુ તુક્કલ કે ચાઈનીઝ માંજા વાળી દોરી મળી આવી ન હતી. કોઈક પણ જગ્યાએ ચાઈનીઝ દોરી કે તુક્કલનું વેચાણ થતું હોય તો મામલતદાર કચેરીનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું છે.