ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ રેસર્સ દ્વારા યોજાયેલી સિટી મેરેથોનમાં 1500 જેટલા સ્પર્ધકો વિવિધ કેટેગરીમાં ભાગ લઇ મન મૂકીને દોડ્યા હતા. તેમણેે વલસાડને સ્વાસ્થ્ય જાગૃતિ માટેનો સંદેશો આપ્યો હતો. આજની મેરેથોનમાં પ્રથમ ક્રમે પુરુષોની કેટેગરીમાં જીતેલા અજયભાઇ થલેકરે 2.47 કલાકમાં 42 કલાકની ફૂલ મેરેથોન પૂર્ણ કરી હતી. જ્યારે મહિલાઓની કેટેગરીમાં શર્મિલા કદમે 4 કલાકમાં 42 કિમીની ફૂલ મેરેથોન પૂર્ણ કરી હતી.
વલસાડના સ્વાસ્થ્ય જાગૃતિ માટે શરૂ થયેલા વલસાડ રેસર્સ ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલ, હાફ મેરેથોનનું આયોજન કર્યું હતુ.
આ મેરેથોનમાં વલસાડ જ નહી, પરંતુ સમગ્ર ગુજરાત અને મુંબઇના પણ અનેક મેરેથોન રનર્સ ખાસ ભાગ લેવા ઉમટી પડ્યા હતા. વલસાડમાં મેરેથોન સ્ટાર્ટીંગ પૂર્વે એરોયોગના જીજ્ઞેશ રાઠોડ અને ટીમ દ્વારા સ્ટ્રેચિંગ અને ઝુમ્બા કરાવી વિવિધ રેસનું પ્રસ્થાન કરાવડાવ્યું હતુ.
આ મેરેથોનમાં વલસાડના કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, ડીએસપી ડો. કરણરાજ વાઘેલા પણ 10 કિમી દોડ્યા હતા. આ સિવાય મેરેથોનમાં મોટી સંખ્યામાં બાળકોથી લઇ વૃદ્ધો અને મહિલાઓએ પણ હોંશભેર ભાગ લીધો હતો. જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીજ્ઞેશ વસાણી, પત્રકારો હર્ષદ આહીર, અપૂર્વ પારેખ, જય વૈદ્ય, વલસાડ સિટી પીઆઈ બી.ડી. જીતિયા સહિત અનેક જાણીતા વ્યક્તિઓએ મેરેથોન પૂર્ણ કરી હતી.
વલસાડ સિટી મેરેથોનનું આયોજન વલસાડના ડો. સંજીવ દેસાઇ, ડો. કલ્પેશ જોષી, ડો. અજીત ટંડેલ, સંદિપ ઠાકોર શિક્ષક પિયુષ ટંડેલ, નિતેશ પટેલ, યતિન પટેલ અને પ્રિતેશ પટેલ સહિતની ટીમ દ્વારા કરાયું હતુ. આ ટીમ દ્વારા દોડવીરોની નાનામાં નાની જરૂરિયાતને ધ્યાને રાખી તેમને સેવા પૂર્ણ પાડી હતી. મેરેથોન પૂર્ણ કરાયા બાદ તમામને ચા નાસ્તો અપાયો હતો. તેમજ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા ઇજાગ્રસ્તોને વિશેષ કસરત કરાવી સારવાર અપાઇ હતી.
સીપીઆરનું મોકડ્રીલ પણ કરાયું
વલસાડ મેરેથોનમાં યુવાનોને આવતા હાર્ટ એટેક દરમિયાન તેમનો જીવ બચાવવા અપાતા સીપીઆરનું મોકડ્રીલ કરાયું હતુ. જેમાં એક દોડવીરે આવીને હાર્ટ એટેકની એક્ટિંગ કરી હતી. દરમિયાન અહીં ઉપસ્થિત ડો. સંદિપભાઇએ તેને સીપીઆર આપ્યું હતુ. એટેકના ગણતરીની મિનિટોમાં તેને સીપીઆર અપાય તો જીવ બચી શકે છે. જેની એક જાગૃતતા મેરેથોનમાં ફેલાવી હતી.
વલસાડનું રોયલ ક્રુઇઝર ગ્રુપ સંકટ સમયની સાંકળ બન્યું
વલસાડનાં રોયલ ક્રુઇઝર ગ્રુપના મેમ્બરો દ્વારા મળસ્કે આવી જઈ આ મેરેથોનમાં દોડવીરોને તકલીફ ન પડે તેના માટે સતત પાયલોટિંગ કરાયું હતું. મેરેથોનના રૂટ ઉપર દોડવીરોને તકલીફ પડે કે દોડી ન શકાય તેવી સ્થિતિમાં તાત્કાલિક બાઇકર્સ ગ્રુપ દ્વારા તેમને બાઈક પર બેસાડી મેરેથોન સ્ટાર્ટિંગ પોઇન્ટ ઉપર લાવવામાં આવ્યા હતા. સાથે જ તેઓએ સતત દોડવીરોને રસ્તે તકલીફ ન પડે તે માટે કાળજી રાખી હતી. વલસાડનું રોયલ ક્રુઇઝર ગ્રુપ સંકટ સમયની સાંકળ બનતાં ગ્રુપના જગદીશ આહીર, ઓસ્ટિન પરમપીલ સહિતની ટીમને મોમેન્ટો આપી રેસર્સ ગ્રુપ દ્વારા ખુબ ખુબ આભાર મનાયો હતો.