ધરમપુર
ધરમપુરનાં નાનીવહિયાળ ગામે મોરનો શિકાર કરવા આવેલાં ત્રણ લોકોને પકડવા પહોંચેલા જંગલ ખાતાના કર્મચારી ઉપર બંદૂક તાકી દેતા સ્વબચાવમાં જંગલવિભાગના અધિકારીએ હવામાં ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવમાં શિકારીઓ પાસેથી મૃત હાલતમાં ઢેલ મળી આવી હતી. તેમજ ઠાસણી વાળી બંદૂક કબ્જે લઇ 3 શિકારીની ધરપકડ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ ફોરેસ્ટ વિભાગના કર્મચારીને મળેલી પૂર્વ બાતમી આધારે નાની વહિયાળ ખાતે આવેલ બરફટા ફળીયા ખાતે રાત્રી દરમ્યાન કેટલાક શિડયુલ વનમાં આવતા પક્ષીના શિકાર બંદૂક વડે કરતા હોવાનું જણાય આવતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. રાત્રીના અંધકારમાં ટોર્ચની મદદ વડે શિકારીને શોધવા કવાયત હાથ ધરી હતી.
જેમાં ફોરેસ્ટવિભાગની આરક્ષિત જમીનમાં સ્ટાફ જ્યારે ફાયરિંગ વાળી જગ્યા ઉપર પહોંચ્યો ત્યારે શિકારીઓ પૈકી એક એ જંગલ ખાતાના કર્મચારી સામે બંદૂક તાકી દીધી હતી. જેને પગલે સ્વબચાવમાં જંગલ ખાતાના સિદુમ્બર આરએફઓ બી.એ.પરમાર દ્વારા તેની સરકારી રિવોલ્વરમાંથી હવામાં ફાયરીંગ કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. ગભરાઈ ગયેલા 3 શિકારીઓ અંધારાનો લાભ લઇ ભાગવા જતા ત્રણેયને ફોરેસ્ટ વિભાગના કર્મચારીએ ઝડપી લીધા હતા.
પકડાયેલા શિકારીઓમાં મહેશભાઈ ખુશાલભાઈ ચાવરા,ખુશાલ સોમાભાઈ ચાવરા, શંકર લાછીયા ચાવરા, ત્રણેય.રહે. માંકડબનની ધરપકડ કરી હતી. જેમની પાસેથી એક ઠાસણીવાળી હાથ બનાવટની બંદૂક અને એક સળિયો દારૂગોળો અને શિકાર કરેલ મૃત હાલતમાં ઢેલ મળી આવી હતી. જેનો કબજો લઈ જંગલ વિભાગે ૩ આરોપીની ધરપકડ કરી તેમની સામે જંગલ વિભાગ દ્વારા વન્યજીવ અધીનીયમ અંતર્ગત ગુન્હો દાખલ કરી કોર્ટમાં રજુ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી.
રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવો ગુન્હો બને છે અને તેને મારવા કે પિજરામાં રાખવા સામે પણ કાર્યવાહી થઇ શકે છે. આ પક્ષી સીડ્યુલ વન અંતર્ગત રક્ષિત છે. જેને લઇ તેને મારવાનો ગુન્હો કરનાર સામે ૩ વર્ષની કેદથી લઇ ૭ વર્ષ સુધીની કેદની સજા થઇ શકે છે.