કોરોનામાં જીવ ગુમાવનાર ૬૭ પત્રકારોને આર્થિક સહાય

પ્રસારણ મંત્રાલયની પત્રકાર કલ્યાણ યોજના તળે રૂ. ૫ લાખ ચુકવાયા : અરજીઓનો ઝડપી નિકાલ કરવા લેવાયો નિર્ણય

નવી દિલ્હી : માહિતી અને પ્રસારણ મંત્રાલય અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરના માર્ગદર્શન હેઠળ સૂઓ મોટો હાથ ધરીને, વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન મહામારીના કારણે જીવ ગુમાવનારા પત્રકારોની વિગતો એકત્રિત અને સંકલિત કરી છે અને પત્રકાર કલ્યાણ યોજના અંતર્ગત આવા પત્રકારોના પરિવારોને આર્થિક સહાયતા આપવા માટે વિશેષ કવાયત હાથ ધરી છે.આજે, કેન્દ્ર સરકારે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અમિત ખરેની અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવમાં કોવિડ-૧૯ ના કારણે મૃત્યુ પામનારા ૨૬ પત્રકારોના પ્રત્યેક પરિવારોને રૂપિયા ૫ લાખની આર્થિક સહાય આપવાની જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોવિડના કારણે મૃત્યુ પામનારા ૪૧ પત્રકારોના પરિવારોને આ પ્રકારની સહાયતા આપી હોવાથી કુલ ૬૭ પરિવારોને સહાય આપવામાં આવી છે. સમિતિએ કોવિડના કારણે જીવ ગુમાવનારા પત્રકારોના પરિવારો પ્રત્યે ખૂબ જ દિલસોજી વ્યકત કરી હતી.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ કોવિડ-૧૯ ના કારણે જીવ ગુમાવનારા સંખ્યાબંધ પરિવારો સુધી પહોંચવા માટે સક્રિય કામગીરી કરી છે અને તેમને આ યોજના તેમજ દાવો દાખલ કરવા વિષે માર્ગદર્શન આપ્યું છે.
સમિતિએ JWS હેઠળ આર્થિક સહાયતાની અરજીઓની પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે તે માટે સાપ્તાહિક ધોરણે બેઠક યોજવાનો પણ નિર્ણય લીધો છે.
સમિતિએ આજે કોવિડ-૧૯ સિવાયના કારણોસર જીવ ગુમાવનારા ૧૧ પત્રકારોના પરિવારોની અરજીઓ પણ ધ્યાને લીધી હતી.JWS બેઠકમાં PIB અગ્ર મહા નિર્દેશક શ્રી જયદીપ ભટનાગર, સંયુકત સચિવ (I&B) શ્રી વિક્રમ સહાય, સમિતિના પત્રકારોના પ્રતિનિધિઓ શ્રી સંતોષ ઠાકુર, શ્રી અમિત કુમાર, શ્રી ઉમેશ કુમાર, સુશ્રી સર્જના શર્મા સહિત અન્ય સભ્યોએ પણ ભાગ લીધો હતો.
પત્રકારો અને તેમના પરિવારો PIB ની વેબસાઇટ મારફતે પત્રકાર કલ્યાણ યોજના (JWS) અંતર્ગત મદદ માટે અરજી કરી શકે છે, જે https://accreditation.pib.gov.in/jws/default.aspx. લિંક પર ઉપલબ્ધ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!