નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૮.૫૯ કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ:હાઈવે અને નેશનલ હાઈવે નં.૪૮ ને સીધું જોડાણ મળશે.

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકાના ડુંગરી ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. રેલવે ઓવરબ્રિજ બનવાથી ડુંગરી, ધરાસણા, કોસ્ટલ હાઈવે તેમજ પૂર્વ અને પશ્ચિમ તરફ આવેલા ગામના લોકોને રેલવે સ્ટેશન તથા નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર આવવા માટે આવન જાવનમાં સરળતા રહેશે તેમજ ટ્રાફિક સમસ્યાનું પણ નિરાકરણ થશે.
લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ગ્રામજનોને નવા રેલવે ઓવરબ્રિજ માટે અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪માં દેશનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગતિશક્તિ યોજના હેઠળ અનેક વિકાસના કામો ગતિથી થઈ રહ્યા છે અને અનેક ગામોમાં પણ ખૂબ જ ગતિથી વિકાસ થઈ રહ્યો છે. રેલવે ઓવરબ્રિજ અને બીજા વિકાસના કામો જે આપણે સ્વપ્નામાં પણ ન વિચાર્યા હતા તે દરેક કામો આજે થઈ રહ્યા છે. આ ડુંગરી રેલવે ઓવરબ્રિજ લોકોની સુવિધામાં વધારો કરશે. મંત્રીશ્રીએ રેલવેના એરિયા મેનેજર અનુ ત્યાગીને અભિનંદન આપતા કહ્યું હતું કે, અહીથી લઈ ઉમરગામ સુધીના દરેક રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં માર્ગ મકાન વિભાગના ઈજનેરો ખૂબ જ સારો સહયોગ પુરો પાડી સરસ કામગીરી કરી છે.

વડાપ્રધાનશ્રીના દેશના વિકાસમાં કરેલા કાર્યોને વધાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, તેમણે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દેશની પરિસ્થિતિને જોઈ વડાપ્રધાન બન્યા બાદ અનેક વિકાસની યોજનાઓ અમલમાં મુકી છે. સ્વચ્છ ભારત યોજના દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી છે. કોરોના કાળ દરમિયાન ભૂખમરા સામે લડવા વિનામુલ્યે અનાજ આપવાની શરૂઆત કરી હતી જે હજુ વર્ષ ૨૦૨૯ સુધી વિનામુલ્યે આપવાની જાહેરાત પણ કરી છે.
સાંસદ ડૉ. કે.સી.પટેલ અને ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે નવા રેલવે ઓવરબ્રિજના અભિનંદન પાઠવતા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ, સંગઠન મંત્રી શિલ્પેશભાઈ દેસાઈ અને કમલેશભાઈ પટેલ, ડુંગરીના સરપંચ પ્રિતીબેન દેસાઈ, સબંધિત વિભગ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!