નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૧.૩૫ કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું: મંત્રીશ્શ્રીના હસ્તે શહેરના વિકાસ માટે આશરે રૂ. ૫૨.૫ કરોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત

ગુજરાત એલર્ટ | વલસાડ
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને કલેક્ટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં રૂ. ૨૧.૩૫ કરોડના ખર્ચે નવ-નિર્માણ થનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે સાથે મંત્રીશ્રીએ વલસાડ શહેરના કુલ ૧૫ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરી કુલ રૂ. ૫૨.૫ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી.

મંત્રીશ્રીએ નવા શાકભાજી માર્કેટ નિર્માણની દરેકને શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, વલસાડ નગરપાલિકા સૌથી જૂની નગરપાલિકાઓમાંથી એક છે. વર્ષ ૨૦૦૭ માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શહેરી વિકાસ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના બનાવી હતી. ત્યારબાદ નગરપાલિકાઓ વિકાસની રાહે આગળ વધી છે. પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતની નગરપાલિકાઓના વિકાસનો પાયો નાખ્યો હતો. આ શાકભાજી માર્કેટનું કાર્ય ઘણા સમયથી ઉપાડ્યું હતું પરંતુ તેના નિર્માણમાં અનેકવિધ તકલીફો પડી હતી. પરંતુ હવે દરેક સુધારાઓ સાથે આ કાર્ય શરૂ થયું છે. શાકભાજી માર્કેટના દુકાનદારો અને વેપારીઓનો ઉત્સાહ જોતાં એવું લાગે છે કે, આ કાર્ય ઘણી સારી રીતે અને સમયસર પૂર્ણ થશે અને અનેક લોકોને એનો લાભ પણ મળશે.
વધુમાં મંત્રીશ્રીએ અપીલ કરી હતી કે, વલસાડનો વિકાસ એ જ સૌનું ધ્યેય હોવું જોઈએ. વિકાસ માટે દરેકે પોતાનો ફાળો આપવો જ જોઈએ. વલસાડનો વધુ વિકાસ કરવો હોય તો સુંદર રીતે આયોજનો કરતાં રહેવું પડશે. હું ખાતરી આપું છું કે, મારી પાસે વલસાડના જે કામો આવશે તેનું ચોક્કસ આયોજન કરીશું. અબ્રામા ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવા રેલવે સાથે વાટાઘાટો ચાલે છે. એ મંજૂર થતા ટ્રાફિક સમસ્યાના પ્રશ્નો હલ થશે.

મંત્રીશ્રીએ વલસાડ નગરપાલિકા વિસ્તારામાં રૂ. ૨૭.૮૦ કરોડની ભૂગર્ભ ગટર યોજના, રૂ. ૬.૬૦ કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન, રૂ. ૭૬.૯૦ લાખના પેવર બ્લોક બેસાડવાની કામગીરી, રૂ. ૧.૬૬ કરોડની વરસાદી બોક્સ ગટર, રૂ. ૧.૭૦ કરોડના વરસાદી પાઇપ ગટર, રૂ. ૪૦.૭૮ લાખના ખર્ચે રોડ રિસર્ફેશિંગ, રૂ. ૩.૩૩ કરોડના ખર્ચે અબ્રામા વોટર વર્કસ ખાતે ૨૦+૨૦ લાખ લિટર અંદર ગ્રાઉન્ડ સંપ, રૂ. ૮.૪૯ લાખ ના ખર્ચે પોકેટ ગ્રાઉન્ડમાં પેવર બ્લોક અને ટોઇલેટ બ્લોકની, રૂ. ૪૫.૦૨ લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રોનું પ્રાથમિક ધોરણે અપગ્રેડેશન, રૂ. ૮૩.૬૦ લાખના ખર્ચે એનિમલ ઈન્સિનરેટર વીથ સિવિલ વર્ક કામગીરી, રૂ. ૮૦.૯૨ લાખના ડામર રોડ, રૂ.૧૩.૯૧ લાખની ડ્રેનેજ લાઇન અને રૂ. ૨૯.૮૮ લાખના અન્ય વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું.
કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, વહીવટ્દાર અને પ્રાંત અધિકારી વિમલ પટેલ, સીટી ઈજનેર હિતેશ પટેલ, સંગઠન કાર્યકર્તાઓ, શાકભાજી માર્કેટ એસોશિયેશનના સભ્યો, દુકાનદારો, વેપારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!