ગુજરાત એલર્ટ । વલસાડ
વાપી નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપી રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પ્રાંરભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, કચ્છના ધરતીકંપ પછી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકેનું સુકાન નરેન્દ્રભાઈએ સંભાળી ગુજરાતના વિકાસ માટે અનેક સોપાન સર કર્યા હતા.
વડાપ્રધાન બન્યા બાદ દેશના ૧૮૦૦૦ ગામડાઓમાં વીજળી ન હતી તે ગામડાઓ જ્યોતિગ્રામ યોજનાના અમલીકરણ બાદ વીજળીથી ઝળહળી ઉઠ્યા હતા. ભારત ડીબીટી (ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર) પેમેન્ટમાં નંબર વન છે. કોરોનાકાળમાં બધા દેશ પડી ભાગ્યા પણ ભારત અવિરત આગેકૂચ કરી રહ્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ વડાપ્રધાનશ્રીની સંવેદનશીલતાનું પગલું છે. નાનામાં નાની યોજનાઓનો લાભ લોકોને મળે તે માટે અધિકારીઓ અને પદાધિકારીઓને હંમેશા કાર્યરત રહેવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે મંત્રીશ્રીએ ભારતના મહાન સાંસ્કૃતિક વારસાને આગળ લઈ જઈ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ આપણે ફરીથી રામ રાજ્યમાં પ્રવેશ કરીશું એવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે સ્વચ્છતા મિશન, જનધન યોજના, આયુષ્યમાન યોજના વિશે માહિતી આપી હતી. વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે મોદીજીની ગેરેન્ટીવાળી ગાડી આવી છે તો તેનો લાભ લેવા લોકોને અનુરોધ કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપી વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બને તે માટે સૌને યોગદાન આપવા અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન સરકારની અનેકવિધ યોજનાઓની માહિતીસભર પુસ્તિકા અને કેલેન્ડરનું વિતરણ લોકોને કરવામાં આવ્યું હતું. વિકસિત ભારતના નિર્માણ અંગે રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મૂર્મુ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિડીયો સંદેશ અને ભારતના વિકાસની ગાથા સૌએ નિહાળી હતી. સરકારની મહત્વપૂર્ણ ૧૭ યોજનાની માહિતી અને યોજનાનો લાભ આપતા વિવિધ વિભાગોના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા. જેનો નગરજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ઉજવલા યોજના, સ્વનિધિ યોજના, આવાસ યોજના, આયુષ્યમાન યોજના, સ્વસ્થ બાળક સ્પર્ધા, ન્યુટ્રીશન કીટ, વિધવા સહાય યોજના, રોજગાર યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. તેજસ્વી વિદ્યાર્થીઓ અને ખેલાડીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન વાપી પાલિકાના ઉપપ્રમુખ અભયભાઈ શાહે કર્યું હતું.
કાર્યક્રમમાં વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, વાપી શહેર સંગઠન પ્રમુખ સતિષભાઈ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ અને વાપી પાલિકાના કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ સહિત અધિકારી અને કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.