ગુજરાત એલર્ટ । વલસાડ
પારડી નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પ્રાંરભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે ૨૦૦૧માં કચ્છના ભયંકર ધરતીકંપ બાદ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યુ હતું. અને ત્યારથી જ ગુજરાતના વિકાસ માટે વિવિધ યોજનાઓ દ્વારા અનેકવિધ પ્રયત્નો કરી ગુજરાતની વિકસગથા આગળ ધપાવી હતી. જે યોજનાઓ ગુજરાતમાં હતી એ યોજનાઓનો લાભ સમગ્ર દેશને મળે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત પ્રધાનમંત્રીશ્રીએ કરાવી છે. જેથી દેશનો વિકાસ થાય. પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વકર્મા યોજના, સેવાસેતુ કાર્યક્રમ વગેરે દ્વારા દરેક લોકો સુધી યોજનાઓ પહેચાડવાનો પ્રયત્ન કર્યો છે. દેશના વિકાસ માટે જે પ્રયત્નો કર્યા છે તેને સમગ્ર વિશ્વએ વખાણ્યા અને વધાવ્યા છે. આજે જ્યારે ૨૨મી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રીશ્રી લોકોની આસ્થા સાથે જોડાયેલા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરશે. ન્યુ ઇન્ડિયા-ન્યુ ગુજરાત અંતર્ગત આપણે ૨૦ વર્ષ પહેલા ક્યાં હતા અને આજે ક્યાં પહોંચ્યા છે એ જાણવું સમજવું જોઈએ. જે લોકોએ સરકારની યોજનાઓનો લાભ લીધો છે તેમણે બીજા લોકોને આ યોજનાઓનો લાભ અપાવવો એવી વિનંતી છે.
વધુમાં મંત્રીશ્રીએ વિશ્વકર્મા યોજના વિશે જણાવતા કહ્યું હતું કે, આ યોજના જે કારીગર ધંધો શરૂ કરવા માંગે અને ચાલતા ધંધામાં પૈસાની જરૂર હોય તેના માટે ખુબ જ લાભદાયી નીવડશે. વલસાડ જિલ્લામાંથી ૧૦૦૦ કારીગરોને મદદ કરવાનો લક્ષ્યાંક છે. દરેક કારીગરોને લાભ મળશે.
કાર્યક્રમ દરમિયાન સરકારની અનેકવિધ યોજનાઓની માહિતીસભર પુસ્તિકા અને કેલેન્ડરનું વિતરણ લોકોને કરવામાં આવ્યું હતું. સરકારની મહત્વપૂર્ણ ૧૭ યોજનાની માહિતી અને યોજનાનો લાભ આપતા વિવિધ વિભાગોના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા. જેનો નગરજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ઉજ્જવલા યોજના, સ્વનિધિ યોજના, આવાસ યોજના, આયુષ્યમાન યોજના, સ્વસ્થ બાળક સ્પર્ધા, ન્યુટ્રીશન કીટ, વિધવા સહાય યોજના, રોજગાર યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. તેજસ્વી વિદ્યાર્થીઓ અને ખેલાડીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પારડી ચીફ ઓફિસર બી.બી. ભાવસાર, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, મામલતદાર આર.આર. ચૌધરી જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, કમલેશ પટેલ અને તાલુકા સંગઠન પ્રમુખ મહેશ દેસાઈ સહિત અધિકારી અને કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.