નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લીલાપોર ખાતે ઔરંગા નદી પર રૂ.૨ કરોડના ખર્ચે નવા બનનારા પુલનું ખાતમુહૂર્ત કરાયું:૧૮ માસની સમયમર્યાદામાં પુલ બાંધકામનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે

ગુજરાત એલર્ટ । વલસાડ
નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ તાલુકાના લીલાપોર ગામે ઔરંગા નદી પર કસ્ટમ હાઉસથી લીલાપોર જંક્શન રોડ વચ્ચે રૂ. ૨ કરોડના ખર્ચે નવા બનનારા નવા પુલના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પુલની કામગીરી ૧૮ માસની સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. ઔરંગા નદી પર કુલ ૨૪૦ મીટર લંબાઈ ધરાવતો બ્રિજ, ૧૬ સ્પાન ૧૫ મીટર લંબાઈ અને એપ્રોચ બંને તરફ અંદાજે ૨૫૦ મીટરની રહેશે.

ઔરંગા નદી પર કસ્ટમ હાઉસ પાસે આ નવો પુલ બનવાથી કોસ્ટલ હાઈવે તેમજ ઉત્તર અને પશ્ચિમ તરફ આવેલા ગામના લોકોને નોકરી ધંધાર્થે રેલવે સ્ટેશન તથા નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર આવવા જવા માટે વાહન વ્યવહારમાં સરળતા થશે તેમજ ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે. નેશનલ હાઈવે નં. ૪૮ થી કોસ્ટલ હાઈવેનું સીધું જોડાણ થશે જેથી લોકોના સમય અને ઈંધણની પણ બચત થશે સાથે જ અકસ્માત અને જાનહાનિ પણ ટળશે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વલસાડ તાલુકાના લીલાપોર ગામે ઔરંગા નદી પર કસ્ટમ હાઉસથી લીલાપોર જંક્શન રોડ વચ્ચે રૂ. ૨ કરોડના ખર્ચે તૈયાર થનાર નવા પુલની જરૂરિયાત હતી અને આ બ્રિજથી વલસાડ શહેરને જોડતા લીલાપોર, હનુમાન ભાગડા અને અન્ય ગામોને લાભ થશે. આ કામ ચોમાસુ પહેલા શરૂ કરવા અને નદીમાંથી માટીના બદલે રેતી ન કાઢી જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. સાથોસાથ વલસાડ શહેરને પૂરથી બચાવવા માટે આ નદીની બંને બાજુ પાળા બનાવવામાં આવનાર છે. વલસાડ કૈલાસ રોડથી ખેરગામ રોડને જોડતા ઔરંગા નદીના બ્રિજ બનાવવાની મંજૂરી પણ આવનારા દિવસોમાં સરકારશ્રી તરફથી મળી જશે. આ પુલ તૈયાર થવાથી ખેરગામ અને આસપાસના અનેક ગામોને લાભ મળશે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના એવા પહેલા વડાપ્રધાન છે કે જેમણે વિકસીત ભારત યાત્રાના માધ્યમથી દેશના પ્રજાજનોને તેમના ઘર આંગણે કેંન્દ્ર સરકારની આયુષ્યમાન, ઉજ્જવલા જેવી અન્ય પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ આપ્યો. વિશ્વમાં આજે ભારત આર્થિક ક્ષેત્રે પાંચમા નંબરે છે તેને વડાપ્રધાનશ્રીએ ઇ. સ.૨૦૨૭ સુધીમાં ભારતને ત્રીજા નંબરે લઇ જવા માટે કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી બ્રિજનાબેન પટેલ, જિલ્લા સંગઠન મંત્રી શિલ્પેશ દેસાઈ, સંગઠન મંત્રી કમલેશ પટેલ, સંબંધિત વિભાગના અધિકારી – કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!