મયુર સેલ્સ નામની ફટાકડાની દુકાનમાં આગ ફાટી: ભિષણ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલા સ્પાન સેલ્સ શોરૂમ પણ આગની લપેટમાં આવી
આણંદ : શહેરમાં નગરપાલિકા નજીક આવેલા લક્ષ એમ્પેરીયા કોમ્પલેક્ષમાં ગઈકાલે ફટાકડાની દુકાન અને ગોડાઉનમાં લાગેલી આગએ ત્રણ માળનાં બે કોંમ્પલેક્ષને લપેટમાં લઈ લેતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી. તંત્ર દ્વારા ભરચક વિસ્તારમાં 450 કિલો દારૂખાનાનાં સંગ્રહનાં એક એવા બે પરવાના આપવામાં આવ્યા હતા. જેનાં કારણે 900 કિલો દારૂખાનાનાં પરવાના પર ક્ષમતા કરતા અનેક ગણા વધારે દારૂખાનાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેને લઈને આ ભયાનક ધટના બની હતી.
આણંદ શહેરમાં નગરપાલિકા નજીક આવેલા લક્ષ એમ્પેરીયા કોંમ્પલેક્ષમાં ગઈકાલે સાંજે મયુર સેલ્સ નામની ફટાકડાની દુકાનમાં આગ ફાટી નિકળી હતી. આગે ભિષણ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલા સ્પાન સેલ્સ નામનાં ઈલેકટ્રીક એપ્લાયન્સનાં શોરૂમ પણ આગની લપેટમાં આવી જતા બંન્ને ત્રણ માળની ઈમારતો ભડ ભડ સળગી ઉઠતા અફડા તફડી મચી જવા પામી હતી. જેને લઈને બન્ને ઈમારતોમાં કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. આજે સવારે પણ ફટાકડાનાં ગોડાઉનમાંથી ધૂમાડો નિકળતા તેમજ આગની જવાળાઓ દેખાતા ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી.
આણંદનાં પ્રાંત અધિકારીજે સી દલાલે આ ધટના બાદ જણાવ્યું કે, મયુર સેલ્સમાં દારૂખાનાનાં વેચાણ અને સંગ્રહ માટે 450 કિલોનાં એક એવા બે પરવાનાં આપવામાં આવ્યા હતા. જેથી તેઓ 900 કિલો દારૂખાનાનો સંગ્રહ કરી શકે. ત્યારે શહેરનાં ભરચક વિસ્તારમાં આટલી મોટો દારૂખાનાનો જથ્થો સંગ્રહ કરવા માટે પરવાનગી કેવી રીતે આપવામાં આવી. અહીયાં પાલિકા પાસેથી ફાયર સેફટીની એનઓસી પણ લેવામાં આવી નથી. સદભાગ્યે આ ધટનામાં કોઈ જાનહાની થઇ નથી,પરંતુ જે રીતે ભયાનક વિસ્ફોટ સાથે આગ ફાટી નિકળી હતી. જેને લઈને સમગ્ર વિસ્તારમાં અફડા તફડી મચી જવા પામી હતી,ત્યારે શહેરનાં ભરચક વિસ્તારમાં અને શાળા કોલેજ નગરપાલિકા જેવી સંસ્થાઓની નજીકમાં આટલી મોટી સંખ્યામાં દારૂખાનાનો જથ્થો સંગ્રહ કરવા માટે પરવાનગી આપનાર સામે પણ કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે