ઉમરગામ સરોંડાના ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા લોકોને સ્વાસ્થ્યદાયી ખોરાક પ્રદાન કરી રહ્યા છે

ગુજરાત એલર્ટ | વલસાડ
પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યએ પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોંડા ગામના ખેડૂત પ્રકાશભાઈ અમૃતલાલ પટેલ વર્ષો પહેલાથી જ આ પહેલમાં જોડાઈ ચૂક્યા છે. વર્ષ ૨૦૧૬થી જ તેઓ પ્રાકૃતિક ખેતીમાં રસ જાગ્યો હતો અને તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા અને આજે તેઓ માત્ર ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તમામ ખેતી કરી પ્રકૃતિ અને સ્વાસ્થયનું રક્ષણ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેત ઉત્પાદન કરી સારી આવક તો મેળવી જ રહ્યા છે સાથે સાથે લોકોને સ્વાસ્થ્યદાયી ખોરાક પણ પ્રદાન કરી રહ્યા છે.
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધશે તેમજ ઉત્પાદન પણ મળશે એમ જણાવતા પ્રકાશભાઈ કહે છે કે, વર્ષ ૨૦૧૬માં સુભાષ પાલેકર પાસેથી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી ત્યારથી પ્રાકૃતિક ખેતીમાં રસ જાગ્યો અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – અંભેટી તરફથી પ્રાકૃતિક ખેતીની વ્યવસ્થિત તાલીમ લઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. આજે મારી પાસે ત્રણ દેશી ગાયો છે જેના નિભાવ ખર્ચ માટે આત્મા પ્રોજેક્ટ હેઠળ સરકારશ્રી દ્વારા દર મહિને રૂ.૯૦૦/-ની સહાય મળે છે. ગાયોના છાણ દ્વારા જીવામૃત, બીજામૃત અને ઘનજીવામૃત બનાવું છું. રાસાયણિક જંતુનાશક દવાઓના સ્થાને અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવી તેનો છંટકાવ કરૂ છું.ગાયના દૂધની ખાટી છાશમાંથી ફંગીસાઈડ મટિરીયલનો છંટકાવ કરી ફૂગનાશક તરીકે ઉપયોગ કરૂ છું.

ખેત ઉત્પાદનો અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, આંબાવાડીઓમાં કોઈ જંતુનાશાક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. માત્ર જીવામૃત – ઘનજીવામૃતના ઉપયોગથી જ સરસ કેરીઓ થાય છે. શાકભાજી મિશ્ર પાક પદ્ધતિથી કરે છે. જેમકે, શિયાળામાં કોબીજની ખેતીમાં પાળા ઉપર મેથી, ધાણા, પાલક અને મૂળા જેવા પાકનું ઉત્પાદન કરે છે. ઉનાળું પાકોમાં ચોળી, ભીંડા, ગુવાર, દૂધી તેમજ ગલકાની ખેતી કરે છે. હાલમાં ભીંડાનું ઉત્પાદન ચાલે છે. ચોમાસામાં ડાંગરની ખેતી માટે ધરૂ ઉગાડ્યું છે જેની SRI પદ્ધતિથી ઉત્પાદન કરશે.

તેઓ ખેડૂતોને અપીલ કરતા કહે છે કે, રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કરવાથી શરૂઆતના એક કે બે વર્ષ સુધી થોડી તકલીફ પડશે. ઉત્પાદન પણ ઓછું પણ આવી શકે છે. પરંતુ, પ્રાકૃતિક ખેતીથી જમીન એટલી સરસ થઈ જશે, જમીનની ગુણવત્તા પણ સુધરી જશે અને ફળદ્રુપતા પણ વધી જશે. પાકોનું ઉત્પાદન પણ સારૂ આવશે તેમજ ખાવા માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક પણ મળશે. ગાયોની મહત્તા સમજાવતા કહ્યું કે, ગાયો દૂધ ન પણ આપતી હોય તેમ છતાં પણ ગૌમૂત્ર અને છાણના ઉપયોગથી સારામાં સારી ખેતી શક્ય છે. કોઈ પણ બીજા ખાતરના ઉપયોગની જરૂર રહેતી નથી. જીવામૃત અને ઘનજીવામૃતમાં દરેક ઉપયોગી તત્વો રહેલા છે જેના દ્વારા ફળદ્રુપ ખેતી શક્ય છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!