ડુપ્લિકેટ પોલીસની ગેંગમાં સ્થાનિક પોલીસના જ ફોલ્ડરિયા હોવાની પણ ચર્ચા
બારડોલી:બારડોલી પંથકમાં અસલી પોલીસની નિષ્ક્રિયતાને લઈને ડુપ્લિકેટ પોલીસ ખેલ નાખી રહી છે પોલીસના ફોલ્ડરિયાઓ જ ડુપ્લિકેટ પોલીસ બની બારડોલી, પલસાણા અને મહુવા વિસ્તારમાં એકાંત માણતા પ્રેમી પંખીડાઓને હેરાન કરી માર મારતા હોવાની હકીકતો સામે આવી છે. એટલું જ નહીં પ્રેમી પંખીડાઓને પકડી તેમની પાસેથી મોટી રકમ પણ પડાવવામાં આવતી હોવાનું ચર્ચાય રહ્યું છે. ત્યારે અસલી પોલીસ સક્રિય બની કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે.
બારડોલી, મહુવા અને પલસાણા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ડુપ્લિકેટ પોલીસ બની પ્રેમી પંખિડાને હેરાન કરી મોટી રકમ ઉસેટવાના બનાવો બની રહ્યા છે. ડુપ્લિકેટ પોલીસની ગેંગમાં સ્થાનિક પોલીસના જ ફોલ્ડરિયા હોવાની વિગતો સામે આવી છે.આ ફોલ્ડરિયા દ્વારા પ્રેમી પંખિડાનો પીછો કરી કે પછી અમુક વ્યક્તિઓને ફસાવી તેની સાથે મહિલાને મોકલી બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને કેદારેશ્વર મહાદેવ મંદિર, ઇસરોલી રોડ, જેવા એકાંત વિસ્તારોમાં પ્રેમી પંખિડા એકાંતની પળો માણતા હોય છે. ત્યાં આ ગેંગ પહોંચી પોલીસની ઓળખ આપી હાથ કડી પણ પહેરાવી દે છે. અને માર મારીને જેલમાં ધકેલી બદનામ કરવાની ધમકી આપે છે. અંતે મોટી રકમમાં સમગ્ર મામલે સમાધાન કરાવવાનું નક્કી કરી લોકો પાસેથી પૈસા ઉસેટવામાં આવી રહ્યા છે.
સ્થાનિક પોલીસ માત્ર સામાન્ય વાહન ચાલકો તે પણ મોટા ભાગે બાઇક ચાલકો પાસેથી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નામે દંડ વસૂલવામાં જ વ્યસ્ત છે. જ્યારે પોલીસ અધિકારીઓ પોતાની એ.સી. ચેમ્બર છોડી બહાર નીકળતા ન હોય ડુપ્લિકેટ પોલીસના નામે પોલીસના કહેવાતા ફોલ્ડરિયા જ મોટો ખેલ કરી રહ્યા છે. ત્યારે ફોલ્ડરિયાઑ દ્વારા થતાં આ ખેલમાં પોલીસની પણ રહેમ નજર હોવાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે. જો કે આવી અનેક ઘટના સામે આવી રહી છે છતાં વિસ્તારની પોલીસ હજી નિંદ્રામાં જ છે. ત્યારે આવા ડુપ્લિકેટ પોલીસ બનીને ફરતા તત્વો સામે પોલીસ પગલાં લેશે કે હજી પણ નિર્દોષ લોકો આના શિકાર બનતા રહેશે તે જોવું રહ્યું.
બીજી તરફ બારડોલી પી.આઈ. પી.વી. પટેલ જણાવ્યું હતું કે આવી કોઈ લેખિત અરજી કે ફરિયાદ અમારી પાસે આવેલ નથી. જો કોઈ ફરિયાદ કે અરજી આવશે તો સત્વરે કાર્યવાહી કરવામાં આવશે હવે પોલીસ ગંભીર બનાવો માં ફરિયાદી રાહ જોઈ રહી છે