વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધરમપુરના ધામણી ગામમાં આવી પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરાયુ

ગુજરાત એલર્ટ । વલસાડ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ધામણી ગામમાં આવી પહોંચતા ગ્રામજનોએ રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યુ હતું. જિલ્લા પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચેપલોત (આઈએએસ) અને ધરમપુર તાલુકા મામલતદાર ફ્રાન્સીસ બી. વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધામણી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથના આગમન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોએ ગ્રામજનોને સરકારની અનેકવિધ યોજનાનો લાભ લેવા માટે માર્ગદર્શન આપ્યુ હતું. લોકોને સરકારની યોજના અને વિકાસ ગાથા અંગે રથ દ્વારા માહિતી અપાઈ હતી. આરોગ્ય ખાતા દ્વારા ગોઠવાયેલા સ્ટોલ પર ઓપીડીમાં ૨૧૪, ટીબીની તપાસ ૬ અને સિકલસેલની તપાસ ૨૬ ગ્રામજનોએ કરાવી હતી. ‘‘માય ભારત’’ વોલન્ટીયર્સ અંતર્ગત ૮ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રધાનમંત્રી ઉજવલા યોજના હેઠળ ૨૦ લોકોએ નોંધણી કરાવી હતી. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, ખેલાડીઓ, કલાકારો અને વિદ્યાર્થીઓ મળી કુલ ૮ લોકોનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ૫૨૨ લાભાર્થીઓના નવા આયુષ્યમાન કાર્ડ બનાવી વિતરણ કરવામાં આવ્યા હતા. ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારની ઉપરોક્ત યોજનાના લાભથી જીવનમાં થયેલા ફેરફાર અંગે સાફલ્ય ગાથા વર્ણવી હતી. ગામની શાળાના વિદ્યાર્થીઓએ ‘‘ધરતી કહે પુકાર કે…’’ નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ગામની શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ વિકસિત ભારત અંગેના શપથ લીધા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડ્રોન ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેનાથી ખેડૂતોને શું ફાયદો થઈ શકે તે માટે ડ્રોનનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય નિર્મલા જાદવ, ધરમપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અપેક્ષાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય ધર્મુ બારિયા, વલસાડ જિલ્લા કિસાન મોર્ચાના પ્રમુખ ગણેશ બિરારી, ધામણી પીએચસીના મેડિકલ ઓફિસર ડો.રાહુલ ગાયકવાડ, ડો. જીનલ સુરતી અને વહીવટદાર ચેતન પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત યાત્રા રથ ગામેગામ ફરી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી ઘર બેઠા વિવિધ યોજનાઓના લાભ પણ આપી રહ્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!